News of Saturday, 17th January 2026
જિલ્લા પંચાયતમાં સોમવારે કારોબારી પછી ફરી કારોબારી બોલાવાશે : ફેબ્રુઆરીમાં બજેટ સાથે અંતિમ સામાન્ય સભા
પૂર્ણ બજેટની તૈયારી : જાન્યુઆરીના અંત સુધીમાં ચૂંટણી જાહેર થાય તો સંજોગો બદલાશે : ચૂંટાયેલી પાંખની મુદત ૧૬ માર્ચ સુધી

રાજકોટ, તા. ૧૭: જિલ્લા પંચાયતની કારોબારી સમિતીની બેઠક તા. ૧૯ સોમવારે સવારે ૧૧-૩૦ વાગ્યે અધ્યક્ષ પી.જી. કયારાની અધ્યક્ષતામાં મળનાર છે જેમાં એજન્ડામાં ૩૮ આઇટમો છે. પ્રમુખ સ્થાનેથી કોઇ દરખાસ્ત મુકાય તો તેટલી ઉમેરાશે. કારોબારીમાં મુખ્યત્વે સિંચાઇ અને બાંધકામને લગતી દરખાસ્તો છે. તા. ૧૯ ની કારોબારી પછી તુરંત બજેટમાં ફરીથી જાન્યુઆરી અંત અથવા ફેબ્રુઆરી પ્રારંભે કારોબારી બોલાવાશે. ત્યારબાદ ફેબ્રુઆરીમાં જ બજેટ મંજુર કરવા સામાન્ય સભા બોલાવાશે. તે સામાન્ય સભા વર્તમાન ચુંટાયેલા સભ્યોના શાસનકાળની અંતિમ સામાન્ય સભા બોલાવાશે.
પંચાયતની હાલની ચુંટાયેલી પાંખની મુદત ૧૬ માર્ચે પુરી થઇ રહી છે. જો ચુંટણી સમયસર થાય તો તે અરસામાં નવી ચુંટાયેલી પાંખ અસ્તીત્વમાં આવી જશે. ચુંટણી મોડી થશે તો ૧૬ માર્ચ પછી પંચાયતમાં વહીવટદાર શાસન લાગુ પડશે. સરકારે બજેટ બાબતે કોઇ માર્ગદર્શન આપ્યુ નથી તેથી શાસકો હાલ પુર્ણ બજેટની તૈયારીમાં છે. જો ચુંટણી ફેબ્રુઆરીમાં કરવાની હશે તો ચાલુ મહિનાના અંત સુધીમાં તેની જાહેરાત થઇ જવાની ધારણા છે. ચુંટણીનો કાર્યક્રમ બજેટ બેઠકને અસર કરી શકે છે.
તા. ૧૯ મીની કારોબારીમાં બજેટ રજુ થવાનું નથી. તા. ૧૯ પછી બજેટ માટે ખાસ કારોબારી બોલાવી બજેટ સામાન્ય સભા તરફ મોકલાશે. બે વખત સામાન્ય સભા યોજવી ન પડે તે માટે બજેટની કારોબારી પછી સામાન્ય સભા બોલાવવાનું શાસકોએ નકકી કર્યુ છે. નજીકના ભવિષ્યમાં સરકાર અથવા ચુંટણી પંચ તરફથી કોઇ સુચના આવે તો સંજોગો બદલાય શકે છે.
(10:49 AM IST)










