<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

રાજકોટ મીડિયા ક્રિકેટ કલબ દ્વારા કાલથી સિઝન ક્રિકેટ ટૂર્નામેન્‍ટઃ ૧૦ ટીમો ભાગ લેશેઃ કુલ ૫૦ મેચો રમાશે

સેમીફાઇનલ અને ફાઇનલ મેચો ફલડ લાઇટમાં રમાશેઃ વિજેતાઓને ઇનામોથી નવાજવામાં આવશે

રાજકોટઃ મીડિયા ક્રિકેટ ક્‍લબ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સિઝન ક્રિકેટ ટૂર્નામેન્‍ટ સ્‍ટાર્ટ થવા જઈ રહી છે. આ વર્ષે ૧૮ જાન્‍યુઆરી ૨૦૨૬થી રાજકોટ મીડિયા ક્રિકેટ ક્‍લબ ટૂર્નામેન્‍ટ શરૂ થશે જેમાં ૧૦ અલગઅલગ ટિમ ભાગ લેશે. આ ૧૦ ટિમ પૈકી શહેરના મોટાભાગના સવારના અને સાંજના અખબારો જેમ કે અબતક, કાઠીયાવાડ પોસ્‍ટ, દિવ્‍ય ભાસ્‍કર, ફૂલછાબ, સામના મિરર, સમય મિરર, કદમ ઇલેવન,  ઉપરાંત મીડિયા ઈલેવન અને રેસ્‍ટ ઓફ પ્રેસ (જેમાં મેગેઝિન્‍સ તથા અંગ્રેજી છાપાંઓનો બ્‍યુરો સ્‍ટાફ તેમજ એફ઼ એમ. રેડિયોના આર.જે. વગેરે સામેલ હોય છે) ટિમ ભાગ લેશે.

રાજકોટ મીડિયા ક્રિકેટ ક્‍લબ ટૂર્નામેન્‍ટની સેમી ફાઇનલ તથા ફાઇનલ મેચો રાત્રી પ્રકાશમાં રમાશે અને શહેરભરના અનેક મહાનુભાવોએ સહિત ક્રિકેટપ્રેમીઓ તેનો આનંદ ઉઠાવશે. આ ટૂર્નામેન્‍ટમાં ૫૦ જેટલા મેચ રમાશે. આ વર્ષે યોજાનાર રાજકોટ મીડિયા ક્રિકેટ ક્‍લબ ટૂર્નામેન્‍ટને લઈ વિવિધ મીડિયાની ટિમમાં અનેરો ઉત્‍સાહ છે. બધા જ પત્રકારો તનતોડ મહેનત કરી કપ જીતવા દિવસરાત પ્રેકક્‍ટિસ કરવા લાગ્‍યા છે.

ઉલ્‍લેખનીય છે કે, આ ક્રિકેટ ટૂર્નામેન્‍ટ માત્ર ગમ્‍મત ખાતર નથી હોતી. બધી જ ટીમના પ્‍લેયર્સ દોઢ-બે મહિના સખ્‍ત પ્રેક્‍ટિસ કરે છે. બધા જ ગંભીરતાથી રમે છે. આ ટૂર્નામેન્‍ટ પૂર્ણતઃ આંતરરાષ્ટ્રીય નિયમોથી રમાય છે. રાજકોટના ઈન્‍ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્‍ડ પર રમાતી આ ટૂર્નામેન્‍ટમાં સિઝન બોલનો જ ઉપયોગ થાય છે, સ્‍ટેટ પેનલના અમ્‍પાયર્સ, સ્‍ટેટ પેનલના સ્‍કોરર્સની સેવાઓ લેવામાં આવે છે. બે ઇનિંગ વચ્‍ચેના બ્રેકમાં પિન્‍કીબેન તુષાર રાચ્‍છ તરફથી ચા-નાસ્‍તો અપાય છે. સારા ઈનામો આપવામાં આવે છે. ફાઈનલ મેચ પછી એક જમણવારનું આયોજન થશે જેમાં ઉપસ્‍થિત મહેમાનો ઉપરાંત દરેક ટીમના લોકો અને અન્‍ય અનેક મોભીઓ હાજરી આપશે.

આ ટૂર્નામેન્‍ટ ભૂતકાળમાં અનેક વખત યોજાઈ છે પરંતુ કોઈને કોઈ કારણોસર નિયમિત થતી નહોતી. છેવટે વિવિધ મીડિયા ગ્રુપમાંથી પત્રકારોની જ એક કમિટી બનાવી છેલ્‍લા ૧૫ વર્ષથી આ ટૂર્નામેન્‍ટ નિયમિત યોજવા નિર્ધાર કરવામાં આવ્‍યો છે. સતત સ્‍ટ્રેસ નીચે કામ કરતા કર્મીઓ માટે આ આયોજન કોઈ તહેવારથી કમ નથી. સૌ ઉત્‍સાહભેર ભાગ લે છે અને ખેલભાવનાથી રમે છે.

આ ટૂર્નામેન્‍ટની ફાઈનલ મેચ દર વર્ષે રાત્રી પ્રકાશમાં જ યોજાય છે. આ વર્ષે પણ ફાઈનલ ડે એન્‍ડ નાઈટ રહેશે. ફાઈનલ બાદ ભવ્‍ય ઈનામ વિતરણ સમારોહ યોજાશે. જેમાં રાજકોટનાં વિવિધ ક્ષેત્રોનાં મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે. પ્રાઈઝ ડિસ્‍ટ્રિબ્‍યુશન બાદ દરેક પ્‍લેયર્સ માટે અને મહેમાનો માટે ગ્રાન્‍ડ ડિનર રાખવામાં આવશે

રાજકોટ મીડિયા ક્રિકેટ ક્‍લબના કિન્નર આચાર્ય અને તુષાર રાચ્‍છ દ્વારા સતત પંદર વર્ષથી આયોજિત આ ટૂર્નામેન્‍ટનાં લગભગ તમામ મેચ શનિ અને રવિવાર દરમિયાન રમાશે. દરેક મેચ ૨૦ ઓવરની રહેશે અને ટૂર્નામેન્‍ટ દરમિયાન સ્‍ટેટ પેનલ અમ્‍પાયર્સ સેવાઓ આપશે. ટૂર્નામેન્‍ટ સફળ બનાવવા આયોજકો કિન્નર આચાર્ય, તુષાર રાચ્‍છ તથા કમિટિ મેમ્‍બર્સ દિપક દાસ, ભીખુ રાઠોડ, કુલદીપસિહ રાઠોડ, ઉર્વીલ વૈદ્ય, મારૂત ત્રિવેદી, કમલેશ ગુપ્તા, કાર્તિક બારડ સહિતના જહેમત ઉઠાવી ક્રિકેટ પ્‍લેયર્સને ઉત્તમ સુવિધા મળી રહે તે માટે પ્રયત્‍ન કરી રહ્યાં છે.

રાજકોટ મીડિયા ક્‍લબ દ્વારા આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં ક્રિકેટર્સના સ્‍વાસ્‍થ્‍યની કાળજી લઈ ગ્રાઉન્‍ડ ઉપર ગોકુલ હોસ્‍પિટલ દ્વારા માનદ મેડિકલ એમ્‍બ્‍યુલન્‍સ સેવા આપવામાં આવશે તો મિનરલ વોટરની સેવા બીસ્‍ટરવાળા જગતભાઈ તરફથી પૂરી પાડવામાં આવશે. તેમ શ્રી કિન્નર આચાર્યએ જણાવ્‍યું છે.

(3:42 PM IST)