News of Sunday, 18th January 2026
રાજકોટ પશ્ચિમની ૨૮ સોસાયટીઓમાં અશાંતધારાની મુદત વધુ પ વર્ષ ૨૦૩૧ સુધી લંબાવાઈ
વિસ્તારના રહેવાસીઓની માંગને ધારાસભ્ય ડો. દર્શીતાબેન શાહ દ્વારા રજુઆત

રાજકોટઃ શહેરના પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં સામાજિક સૌહાર્દ જાળવી રાખવા અને મિલકતોના ગેરકાયદેસર હસ્તાંતરણને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિસ્તારમાં આવતી કુલ ૨૮ જેટલી સોસાયટીઓમાં ‘અશાંતધારા’ (Disturbed Areas Act) ની મુદત આગામી ૧૬ જાન્યુઆરી ૨૦૩૧ સુધી લંબાવી દેવામાં આવી છે.
રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહે આ વિસ્તારના રહીશોની લાગણી અને સુરક્ષાને ધ્યાને રાખીને રાજ્ય સરકારમાં ધારદાર રજૂઆત કરી હતી. રહીશોની માંગ હતી કે આ સંવેદનશીલ વિસ્તારોમાં અશાંતધારાની મુદત પૂરી થતા તેને આગળ વધારવામાં આવે, જેથી વિસ્તારની વસ્તીવિષયક સમતુલા ખોરવાય નહીં. ડો. દર્શિતાબેન શાહની આ રજૂઆતનો મુખ્યમંત્રી અને ગૃહ વિભાગે સકારાત્મક પ્રતિસાદ આપી મુદત લંબાવવા પર મંજૂરીની મહોર મારી દીધી છે.
અગાઉ જાહેર કરેલા તમામ વિસ્તારોમાં હવે વર્ષ ૨૦૩૧ સુધી આ ધારો અમલી રહેશે.
આ ૨૮ સોસાયટીઓમાં મિલકતનું વેચાણ કે ટ્રાન્સફર કરતા પહેલા કલેક્ટરની મંજૂરી મેળવવી અનિવાર્ય બનશે, જે ગેરકાયદે દબાણો કે દબાવમાં થતા સોદાઓને રોકવામાં મદદરૂપ થશે.
આ નિર્ણયથી સ્થાનિક રહીશોમાં સુરક્ષાની ભાવના પ્રબળ બની છે.
પશ્ચિમ વિધાનસભા હેઠળ આવતી અંદાજે ૨૮ જેટલી મુખ્ય સોસાયટીઓ અને તેની આસપાસના વિસ્તારો આ સુરક્ષા કવચ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. અશાંતધારો અમલી હોવાથી કોઈ પણ પક્ષ એકબીજાની મિલકત વહીવટી પ્રક્રિયા વિના સીધી રીતે ખરીદી શકશે નહીં, જે શાંતિ જાળવી રાખવા માટે પાયારૂપ માનવામાં આવે છે.
(2:44 PM IST)










