News of Monday, 19th January 2026
એટીએમમાં પૈસા ઉપાડવાના બહાને ઠગાઇ કરતો રીઢો ગઠીયો દીપકસિંગ ઝડપાયો
પેડક રોડ, ઢેબર રોડ પર આચરેલા બે ગુના કબુલ્યાઃ અગાઉ ૧૦ ગુનામાં સંડોવણી : ડીસીપી હેતલ પટેલની રાહબરીમાં પીએસઆઇ એમ. કે. મોવલીયા, એએસઆઇ મનરૂપગીરીની ટીમની કામગીરીઃ એએસઆઇ હરેશભાઇ પરમાર, હેડકોન્સ. જગદીશસિંહ પરમાર અને કોન્સ. રવિરાજભાઇ પરમારની બાતમી

રાજકોટ તા. ૧૯: એટીએમમાં વૃધ્ધ, આધેડ વયના લોકો કે અભણ લોકોને રૂપિયા ઉપાડવામાં મદદ કરવાના નામે તેના એટીએમ પીન નંબર જાણી લઇ બાદમાં જે તે વ્યક્તિનું એટીએમ કાર્ડ બદલી ટેકનીકલ ફોલ્ટ છે, રૂપિયા નહિ ઉપડે તેમ કહી તેનું અસલી એટીએમ કાર્ડ પોતાની પાસે રાખી લઇ નકલી આપી દઇ બાદમાં જે તે વ્યક્તિના કાર્ડનો ઉપયોગ કરી નાણા ઉપાડી ઠગાઇ કરતાં ગઠીયાને એલસીબી ઝોન-૧ ટીમે ઝડપી લીધો છે. આ શખ્સે બે ગુના કબુલ્યા છે. અગાઉ પણ તે આ પ્રકારના ૧૦ ગુના રાજકોટ, વાંકાનેર, જામકંડોરણમાં આચરી ચુક્યો છે. મુળ યુપીના આ શખ્સની વધુ પુછતાછ હાથ ધરવામાં આવી છે.
જાણવા મળ્યા મુજબ અનડીટેક્ટ ગુના ઉકેલવા એલસીબી ઝોન-૧ ટીમ તપાસમાં હતી ત્યારે એએસઆઇ હરેશભાઇ પરમાર, હેડકોન્સ. જગદીશસિંહ પરમાર, કોન્સ. રવિરાજભાઇ પટગીરને બાતમી મળી હતી કે મોરબી રોડ સિતારામ સોસાયટી નજીક રેલ્વેના પાટા પાસે શ્રીરામ પ્લાસ્ટીકની સામે એક શખ્સ ઉભો છે જે એટીએમ કાર્ડ બદલીને ઠગાઇના ગુના આચરે છે. આ બાતમી પરથી શખ્સને સકંજામાં લઇ પુછતાછ કરતાં પોતાનું નામ દિપકસિંગ સંતોષસિંગ સેગર (ઉ.વ.૩૭-રહે. મોરબી રોડ સેટેલાઇટ ચોક, રેડ રોઝ હોટેલ પાછળ વેલનાથ સોસાયટી-૧, મુળ બિલોૈહા ગામ, જી. જાલોન, થાના રામપુરા ઉત્તરપ્રદેશ) જણાવ્યું હતું.
આ શખ્સ પાસેથી અલગ અલગ બેંકના ૧૪ એટીએમ કાર્ડ અને રૂા. ૨૪ હજાર રોકડા મળી આવ્યા હતાં. વિશેષ તપાસ થતાં આ શખ્સ એટીએમ ફ્રોડનો રીઢો ગુનેગાર હોવાનું ખુલ્યું હતું. તેની પુછતાછ થતાં તેણે કબુલ્યું હતું કે વીસેક દિવસ પહેલા પેડક રોડ ગોવિંદબાગ શાક માર્કેટ રોડ પર બેંક ઓફ બરોડના એટીએમમાં રૂપિયા ઉપાડવા આવેલા વ્યક્તિને મદદ કરવાના બહાને તેનું એટીએમ કાર્ડ મેળવી પીન નંબર જાણી લઇ બાદમાં કાર્ડ બદલી નાંખી રૂપિયા ઉપડતાં નથી, મશીનમાં ખામી છે કહી નકલી કાર્ડ આપી દીધું હતું. બાદમાં અસલી કાર્ડનો ઉપયોગ કરી રૂા. ૨૭૪૦૦ ઉપાડી લીધા હતાં. આ અંગે બી-ડિવીઝનમાં ગુનો નોંધાયો હતો. આ ઉપરાંત દોઢ મહિના પહેલા કાંતાસ્ત્રી વિકાસ ગૃહ પાસે એસબીઆઇના એટીએમ ખાતે પણ આવી જ રીતે એક વ્યક્તિને છેતરી રૂા. ૩ હજાર ઉપાડી લધીા હતાં.
આ શખ્સ વર્ષ ૨૦૧૭થી આ પ્રકારના એટીએમ ફ્રોડના ગુના આચરે છે. તેના વિરૂધ્ધ અગાઉ રાજકોટમાં એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં આવા છ ગુના, માલવીયાનગર, ભક્તિનગરમાં એક-એક ગુનો, વાંકાનેર સીટી અને જામકંડોરણામાં પણ આ પ્રકારના એક-એક મળી ૧૦ ગુના નોંધાઇ ચુક્યા છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી હેતલ પટેલની સુચના અંતર્ગત પીએસઆઇ એમ. કે. મોવલીયા, એએસઆઇ હરેશભાઇ પરમાર, મનરૂપગીરી ગોસ્વામી, હેડકોન્સ. હિતેન્દ્રસિંહ ઝાલા, જગદીશસિંહ પરમાર, હિતેષભાઇ પરમાર, કોન્સ. રવિરાજભાઇ પટગીરે આ કામગીરી કરી હતી.
(4:08 PM IST)










