<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

જન્‍મ-મરણ વિભાગમાં જૂના દાખલાઓમાં કયુઆર કોડ કરાવવા ધસારોઃ રોજના ૧૦૦ની મર્યાદા!

શહેરના ૨૦ લાખથી વધુ જન્‍મના દાખલા નવા કયારે થશે? આધારકાર્ડમાં પણ અરજદારોને પારાવાર મુશ્‍કેલી

રાજકોટ તા.૧૯: મનપામાં જન્‍મ-મરણના દાખલાની પરિસ્‍થિતિ આજે પણ છેલ્લા ચાર માસથી યથાવત રહેવા પામી છે. દરેક સરકારી કામ માટે કયુઆરકોડ વાળો જન્‍મનો દાખલો સરકારે ફરજિયાત બનાવતા ૨૦૨૦ પહેલાના તમામ દાખલાઓ કયુઆરકોડ કરવા માટે લોકોએ જન્‍મ-મરણ નોંધણી વિભાગમાં લાઈનો લગાવતા દેકારો બોલી ગયો છે.

તેવી જ રીતે આધારકાર્ડમાં સુધારા-વધારા માટે પણ કેન્‍દ સરકારના પોર્ટલ અનુસાર કયુઆરકોડ વાળો દાખલો માન્‍ય રખાતા અનેક અરજદારોને ધરમના ધક્કા થઈ રહ્યા છે. જેની સામે ખુદ સરકારે જ જુના દાખલામાંથી કયુઆરકોડનો દાખલો કરવા માટેની દરરોજની સંખ્‍યા ફક્‍ત ૧૦૦ની કરતા વર્ષોથી બાકી રહેલ ૨૦ લાખથી વધુ જન્‍મના દાખલાઓનું ભાવી અંધારમય થઈ ગયાનું જાણવા મળેલ છે.

સરકાર દ્વારા સપ્‍ટેમ્‍બર માસમાં કેન્‍દ્ર સંચાલિત સીઆરસી પોર્ટલ દરેક મહાનગરપાલિકાને નગરપાલિકાઓ માટે ફરજિયાત બનાવ્‍યું છે. પરંતુ વર્ષો પહેલા કોર્પોરેશન દ્વારા પોતાના પોર્ટલ ઉપર જન્‍મ-મરણના દાખલા કાઢી આપવામાં આવતા હતાં. ત્‍યાર બાદ રાજ્‍ય સરકાર દ્વારા નવું પોર્ટલ અમલમાં મુકેલ જેની અમલવારી પુરેપુરી શરૂ થાય તે પહેલા જ કેન્‍દ્ર સરકારે સીઆરસી પોર્ટલને માન્‍યતા આપી તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને તેની અમલવારી કરવાના આદેશ કર્યા હતાં.

જેમાં શરૂઆતી ધોરણે ભારે અંધાધુંધી સર્જાયા બાદ છેલ્લા થોડા સમયથી પોર્ટલ પર કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ પોર્ટલમાં ૨૦૨૦ પહેલાના એક પણ દાખલાની એન્‍ટ્રી ન હોવાથી ૨૦૨૦ બાદના તમામ જન્‍મના દાખલાઓ કયુઆર કોડ આધારીત થઈ ચુકયા છે અને તે મુજબના કાઢી આપવામાં આવે છે.

જેની સામે સરકારે નવો આદેશ જાહેર કરી આધારકાર્ડની તમામ પ્રકારની કામગીરી માટે કયુઆરકોડ વાળો જન્‍મનો દાખલો ફરજિયાત બનાવતા છેલ્લા થોડા સમયથી ૨૦૨૦ પહેલા જન્‍મેલા અરજદારો આધારકાર્ડમાં સુધારા-વધારાના કામ માટે જન્‍મનો દાખલો રજૂ કરે ત્‍યારે આ દાખલો રાજ્‍ય સરકાર અને કોર્પોરેશનના પોર્ટલ મુજબનો હોવાથી કેન્‍દ્ર સરકારના સીઆરસી પોર્ટલ ઉપર અપલોડ ન થતો હોય અરજદારોને પરત મોકલી નવો દાખલો કઢાવવાનું કહેવામાં આવી રહ્યું છે.

જેની સામે ખુદ સરકારે જ જૂના ડેટામાંથી દરરોજ ૧૦૦ દાખલા અપલોડ કરવા તેવી ગુજરાતના તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને સુચના આપી છે. જેના લીધે અત્‍યાર સુધી કોર્પોરેશન અને રાજ્‍ય સરકારના પોર્ટલ ઉપરથી નિકળેલા ૨૦ લાખથી વધુ જન્‍મના દાખલાઓ કેન્‍દ્ર સરકારના પોર્ટલ પરથી નિકળી શકતા નથી અને અપલોડ કરવા માટેની મર્યાદા પણ ૧૦૦ દાખલાની હોવાથી અરજદારો રોજેરોજ ધક્કા ખાઈ રહ્યા છે. જેની સામે તંત્ર પણ લાચાર બની ગયું છે.

મનપાના જન્‍મ-મરણ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ હાલ કેન્‍દ્ર સરકારના સીઆરસી પોર્ટલ ઉપર ૨૦૨૦ બાદના તમામ જન્‍મના દાખલાઓ કયુઆરકોડ મુજબ મળવા પાત્ર છે. પરંતુ ૨૦૨૦ પહેલાના એટલે કે, અત્‍યાર સુધીના તમામ જન્‍મના દાખલાઓને કયુઆર કોડમાં ફેરવવા માટે પ્રથમ સીઆરસી પોર્ટલ પર અપલોડ કરવા પડે છે. ત્‍યાર બાદ દાખલો કેન્‍દ્ર સરકારના કયુઆરકોડ મુજબનો નિકળી શકે છે.

પરંતુ સરકાર દ્વારા જુના કેટલોગમાંથી દરરોજ ૧૦૦ દાખલા જ અપલોડ કરવા તેવી ગુજરાતભરની નગરપાલિકાઓ અને પાલિકાઓને સુચના આપવામાં આવી છે. જેના લીધે હાલ કોર્પોરેશનના ૨૦ લાખના કેટલોક સામે દરરોજની ૧૦૦ની મર્યાદા બહુ ઓછી હોવાથી અનેક લોકો કયુઆરકોડ વાળો દાખલો કઢાવી શકતા નથી જેના લીધે જન્‍મ-મરણ વિભાગ દ્વારા પણ જે અરજદાર કે જે ૨૦૨૦ પહેલા જન્‍મ થયો હોય તેના દાખલાઓ રૂબરૂ આવ્‍યા બાદ અપલોડ કરવામાં આવી રહ્યા છે.

છતાં આધારકાર્ડની કામગીરીમાં પણ કયુઆરકોડના જન્‍મના દાખલાનો નિયમ અમલમાં બનતા આજે જન્‍મ-મરણ વિભાગ અને આધારકાર્ડ વિભાગમાં દેકારો બોલી ગયો હતો.

 

(4:48 PM IST)