<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

૧૫૦ ફૂટ રીંગ રોડ પાસે કિંગસ્‍ટન ટાવર્સના ફલેટધારકો સોસાયટીના હોદેદારો સામે કોર્ટે ચડયા

૯ ફલેટધારકોએ ફલેટ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ, સેક્રેટરી, ખજાનચી અને કારોબારી સભ્‍યો સામે સિવિલ કોર્ટમાં કર્યો અનિયમિતતાનો દાવો : મેઈન્‍ટેનન્‍સ ડીપોઝીટમાં કરોડો રૂપિયા જમા હોવા છતાં પાણી-લીફટ બંધ કરવાનો ફતવો સોસાયટીના હોદેદારો આપખુદશાહી અને મનસ્‍વી રીતે વર્તતા હોવાનો આક્ષેપ

રાજકોટ  તા.૨૦: શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પાસે સિલ્‍વર સ્‍ટોન મેઈન રોડ ઉપર આવેલા કિગસ્‍ટન ટાવર્સના ફલેટ ધારકો સોસાયટીના હોદેદારો સામે કાનૂની જંગે ચડ્‍યા છે. બંને ટાવર્સના ફલેટધારકો વતી ૯ જેટલા પરિવારોએ સોસાયટીના હોદેદારો સામે અનિયમિતતા અને આપખુદશાહીના આક્ષેપ કરીને સિવિલ કોર્ટના દરવાજા ખખડાવ્‍યા છે. ફલેટધારકોએ એવો આક્ષેપ કર્યો છે કે, સોસાયટીમાં મેઈન્‍ટેનન્‍સની કરોડો રૂપિયાની રકમ જમા હોવા છતાં પાણી અને લીફટ બંધ કરી દેવા માટે ફતવો બહાર પાડવામાં આવ્‍યો છે. પાર્કિગના એલોટમેન્‍ટમાં પણ મનમાની કરવામાં આવે છે. આ ફલેટ ધારકોએ સોસાયટીના હોદેદારો હવે વધારાની મેઈન્‍ટેનન્‍સની રકમ વસુલે નહી તે પ્રકારના મનાઈહુકમની માંગ કરી છે સાથોસાથ કર પાર્કિગ અંગે ડ્રો કરવા અને સોસાયટી વતી કોઈ વ્‍યક્‍તિ કે મેનેજર કોઈ ફલેટ હોલ્‍ડરની કાર લોક ન કરે તેવો વચગાળાનો મનાઈહુકમ પણ માગ્‍યો છે.

ફલેટધારકોએ કોર્ટમાં કરેલી અરજીમાં એવો આક્ષેપ કર્યો છે કે, કિગસ્‍ટન ફલેટ ઓનર્સ એસોસિએશનનો વહીવટ પહેલા સુંદર રીતે ચાલતો હતો પરંતુ વર્તમાન હોદેદારોએ જ્‍યારથી વહીવટ સંભાળ્‍યો છે ત્‍યારથી ફલેટધારકોને અન્‍યાય થઇ રહ્યો છે. સંપૂર્ણવહીવટ કિન્નાખોરીથી ચલાવવામાં આવે છે. આ હોદેદારો સોસાયટીના વાર્ષિક ખર્ચનો હિસાબ કે આવક-જાવકનો હિસાબ આપતા નથી. વધુમાં મનઘડંત નિયમો બનાવીને સોસાયટી ઉપર ઠોકી બેસાડ્‍યા છે. કાર પાર્કિગ અંગે કોઈ જાતોનો ડ્રો કર્યા વગર વ્‍હાલા-દવલાની નીતિ અપનાવી પોતાના મળતિયાઓને અનુકુળ આવે તે રીતે પાર્કિગ ફાળવી દીધા છે. વધારાની કાર પાર્કીંગમાં જગ્‍યા હોવા છતાં રોડ ઉપર કરાવવામાં આવે છે. અનેક વખત આ હોદેદારોએ કાયદો હાથમાં લઈને ફલેટધારકોની કારને લોક મારી દીધા હતા.

ફલેટધારકોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, કિગસ્‍ટન એ અને બી વિગમાં લાગેલા સીસીટીવીના ફૂટેજ માગવા છતાં આપવામાં આવતા નથી.આ અંગે ફરિયાદ કરવામાં આવે તો સ્‍વીકારતા નથી. અત્‍યાર સુધી મેઈન્‍ટેનન્‍સના ૧૬ -૧૬ લાખ રૂપિયાના વ્‍યાજમાંથી ખર્ચ નીકળી જતો હતો પરંતુ હવે દરેક પાસે વધારાના ચાર-ચાર લાખ રૂપિયાની માંગ કરવામાં આવે છે. આ રકમ નહી આપવામાં આવે તો પાણી અને લીફટ જેવી સુવિધા બંધ કરી દેવામાં આવશે તેવી ધમકી પણ આપવામાં આવે છે.

ગુજરાત ફલેટ ઓનર્સ એક્‍ટ ૧૯૭૩ મુજબ સંચાલન કમિટીએ સભ્‍યોને હિસાબ અને ઓડીટ રીપોર્ટ પુરા પાડવા ફરજિયાત છે વધુમાં હિસાબ આપ્‍યા વગર વધારાના નાણા માગવા કે તેના માટે દબાણ કરવું, પાયાની સુવિધાથી વંચિત રાખવા અને ધમકી આપવી એ સંપૂર્ણ ગેરકાયદે છે. જો કમિટી આવું કોઈ ગેરકાયદે પગલું ભરશે તો તેની સામે ફોજદારી કાર્યવાહી પણ કરવામાં આવશે તેવી ચીમકી પણ ફલેટધારકોએ આપી છે.

(10:42 AM IST)