તા. ૯ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ વદ – ૭ શુક્રવાર
News of Tuesday, 20th January 2026
ભાડેથી લઇ જઇ બારોબાર ત્રણ કાર વેંચી દેનારા દર્પણ મણવર અને ખરીદનાર આમીર વોરાને ઝડપી લેવાયા
જીવરાજ પાર્કના દર્પણે સાણંદના સોજીત્રા ગામના આમીરને સસ્તામાં ત્રણ થાર ગાડી આપી દીધી'તીઃ ૨૦.૨૦ લાખની બે ગાડી કબ્જેઃ પીઆઇ ગોંડલીયા, ડામોર, જાદવની રાહબરીમાં પીએસઆઇ એસ.વી. ચુડાસમાની ટીમની કામગીરી

રાજકોટ તા. ૨૦: શહેરમાં સેલ્ફ ડ્રાઈવિંગ કાર ભાડે આપતા વેપારીઓને નિશાન બનાવી, લક્ઝરી કાર ભાડે મેળવ્યા બાદ પરત ન આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરતી ગેંગનો રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. પોલીસે બે શખ્સને ઝડપી પાડી તેમની પાસેથી બે કિંમતી મહિન્દ્રા થાર કાર કબજે કરી છે.
રાજકોટના અલગ-અલગ વિસ્તારોમાં સેલ્ફ ડ્રાઈવિંગ કારના માલિકો પાસેથી ગાડી ભાડે લઈ ગયા બાદ આરોપીઓ નહોતા ભાડું ચુકવતા કે નહોતા ગાડી પરત આપતા. આ બાબતે શહેરના માલવીયાનગર પોલીસ સ્ટેશન, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન અને તાલુકા પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ ૩૧૬ (૨) હેઠળ અલગ અલગ ત્રણ ઠગાઇના ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા. આ ગુનામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સ્પેશિયલ ડ્રાઈવના આદેશ આપવામાં આવ્યા હોઇ ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એસ. વી. ચુડાસમાની ટીમ તપાસમાં હતી એ દરમિયાન હ્યુમન અને ટકનીકલ સોર્સની મદદથી તપાસ શરૂ કરી હતી.
આ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે કે આ ગુનામાં સામેલ બે આરોપીઓ અમદાવાદ ખાતે છે. લોકેશનના આધારે ક્રાઇમ બ્રાંચની ટૂકડી ત્યાં પહોંચી હતી અન દર્પણ મનસુખલાલ મણવર (ઉ.વ.૪૦-રહે. ગોલ હાઇટ્સ, જીવરાજ પાર્ક અંબીકા ટાઉનશી, મવડી પોલીસ હેડક્વાર્ટર સામે) તથા આમીર અસલમભાઈ વોરા (ઉ.વ.૩૨-રહે. સોજીત્રા, શ્રીમાળી પોળ સોસાયટી, આણંદ)ને દબોચી લીધા હતા. દર્પણ ભાડાની કાર લઇ સોજીત્રાના આમીર પાસે ગયો હતો અને સસ્તા ભાવે કાર વેંચી નાંખી હતી. પોલીસે મહિન્દ્રા થાર રોક્સ જીજે-૦૩-પીજે-૯૪૨૩ કિંમત રૂ. ૧૬,૨૦,૦૦૦ની અને મહિન્દ્રા થાર જીજે૦૯-બીએ-૦૦૦૨ કિંમત રૂ. ૪,૦૦,૦૦૦ની કબ્જે કરી છે. આગળની તપાસ માટે હવે જે તે પોલીસ સ્ટેશનને આરોપીઓને કબ્જો સોંપવામાં આવશે.
દર્પણ મણવર મોજશોખ પુરા કરવા માટે પૈસાની જરૂર હોઇ જેથી આ રીતે ભાડેથી કાર લઇ જતો હતો અને ઓછા ભાવે વેંચી જે રોકડ મળે તે વાપરી નાંખતો હતો. પોલીસ હજુ એક કાર કબ્જે કરવા વિશેષ તપાસ કરી રહી છે. પોલીસના કહેવા મુજબ આ પ્રકારની ભુલી જવાની ગાડીઓ ખરીદવાનું કામ આમીર કરે છે. આ બંનેની તપાસમાં વધુ વિગતો બહાર આવવાની પોલીસને આશા છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ.આર. ગોંડલીયા, એમ.એલ. ડામોર, સી.એસ. જાદવ અને પીએસઆઇ એસ.વી. ચુડાસમા, એએસઆઇ વિજયભાઈ સોઢા, હેડકોન્સ. કિશનભાઈ પાંભર, કરણભાઈ કોઠીવાળ, મોહિલરાજસિંહ ગોહિલ તથા કોન્સ. સંજયભાઈ અલગૌતર, અરવિંદભાઈ ફતેપરા, મહાવીરસિંહ જાડેજા અને પોપટભાઈ ગમારા સહિતના ટેકનિકલ અને ફિલ્ડ સ્ટાફના કર્મચારીઓએ આ કામગીરી કરી હતી.
(3:18 PM IST)










