News of Tuesday, 20th January 2026
સીનીયર સીટીઝન હોમ અને ડે કેર સેન્ટર ‘મંજુલ'નું શુક્રવારે લોકાર્પણ
કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમ-રાજકોટ નિર્મિત સીનીયર સીટીઝનો માટે અત્યાધુનીક હોમ અને ડે કેર સેન્ટરનું નિમાર્ણ : ૮૪ વડીલો રહી શકે તેવી સુવિધા, આર્થિક રીતે સુખી લોકો સ્વમાન ભેર જીવન માણી શકે એ માટેનો ઉમદા પ્રયાસ : ‘મજુલ' નામના આ વિશાળ ભવનમાં વડીલોને રહેવા -જમવા સાથે પ્રાર્થના, વાંચન, યોગ, જિમ્નેશ્યમ, મેડીકલ, ગાર્ડન સહિતની સુવિધા

રાજકોટ : સોૈરાષ્ટ્ર-ગુજરાતની એક નમુનેદાર સંસ્થા શ્રી કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમ-રાજકોટ દ્વારા સોૈરાષ્ટ્રના પાટનગર રાજકોટ ખાતે સાધન સંપન્ન અને ઉંમરલાયક લોકો સ્વમાનભેર પોતાની જીંદગી માણી શકે એ માટે અદ્યતન સુવિધાયુક્ત સીનીયર સીટીઝન હોમ અને ડે કેર સેન્ટરનુ નિર્માણ કરવામાં આવ્યુ છે, આગામી વસંત પંચમીને તા.૨૩ને શુક્રવારે આ અદ્યતન ભવનનું લોકપર્ણ કરવામાં આવશે.
સમાજમાં ધીરે ધીરે વૃધ્ધોની સંખ્યા વધી રહી છે, જેમાં એક વર્ગ એવો છે કે તેમની આર્થીક સ્થિત સારી છે પણ બાળકો નથી અથવા સંતાનો અન્ય જગ્યાએ સ્થીર થયા હોય છે એવા સંજોગોમાં છતાં પૈસે ઉંમરલાયક માણસોને રોજબરોજની જીંદગી જીવવા માટે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. ઉંમરના કારણે શરીર પુરતો સાથ આપતુ ન હોય, બીજી નાની મોટી અમુક બિમારીના કારણે નિયમીત ચેકઅપ વગેરેનું ધ્યાન રાખવુ પડતુ હોય અને ખાસ તો એકલતા કોરી ખાતી હોય એવા સમયે સોૈરાષ્ટ્રની ૧૧૯ વર્ષ જુની સંસ્થા શ્રી કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમ દ્વારા આવા વૃધ્ધો સ્માનભેર જીવન જીવી શકે, પોતાની પાછલી જીંદગી આનંદભેર માણી શકે એવા ઉમદા હેતુ સાથે સોૈરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં ચાર હજાર વાર જગ્યામાં અદ્યતન બાર માળનું સીનીયર સીટીઝન હોમ અને ડે કેર સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યુ છે. સમાજના ઉદારદિલ દાતાઓના સહયોગથી નિર્માણ પામેલ આ ભવન આગામી વસંત પંચમીના દિવસે સમાજને અર્પણ કરવામાં આવશે.
શ્રી કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમ-રાજકોટ સંચાલીત શ્રી ટપુલાલ ભગવાનજી મહેતા સિનિયર સીટીઝન હોમ અને ડે કેર સેન્ટર ‘મંજુલ' અંગે માહિતી આપતાં સંસ્થાના શ્રી ચંદ્રકાન્તભાઇ પટેલ અને શ્રી પ્રવીણભાઇ અઘરાએ જણાવ્યુ છેકે, પાનખરની અવસ્થામાં એકલતા, નાની મોટી શારીરિક-માનસીક તકલીફ આવતી હોય છે, ઉંમરના કારણે થતી આવી બધી તકલીફો અને બીજી બાજુ એકલતાના કારણે ઉંમર લાયક માણસોને સમય પસાર કરવો વસમો લાગતો હોય છે. સમાજમાં અનેક લોકો આર્થીક રીતે સંપન્ન છે એટલે સરકાર દ્વારા કે સંસ્થાઓ દ્વારા ચાલતાં વૃધ્ધાશ્રમમાં રહેવુ તેમને યોગ્ય લાગતુ નથી, સમાજનું રૂણ લેવુ તેમનું મન માનતુ નથી. આવા સાધનસંપન્ન લોકો સ્માનભેર જીવી શકે, પોતાના હાથે સારા કાર્યો કરી શકે, સરખી ઉંમરના લોકો સાથે સારી રીતે સમય પસાર કરી શકે, ધર્મ ધ્યાનમાં મન પરોવી શકે અને તેમની રોજબરોજની જીદંગી ખુબ સારી રીતે માણી શકે એવા ઉમદા હેતુ સાથે આ ભવનનું નિર્માણ કરવામાં આવ્યુ છે. ટૂકમાં ૬૦થી વધુ વર્ષની ઉંમરના લોકો તેમની શારિરીક સમસ્યાના ઉકેલ સાથે સમય કયાં અને કોની સાથે પસાર કરવો એ પ્રશ્નો જવાબ અહીં કળી રહેશે.
મંજુલ નામના આ વિશાળ ભવનમાં તેમને રહેવા-જમવા સાથે પ્રર્થના, વાંચન, યોગ, જીમ્નેશ્યમ, મેીિડકલ, ગાર્ડન સહિત અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે. બાર માળના આ ભવનમાં બિલ્ડીંગમાં સીંગલ, દંપતિ અને શેરીંગથી રહી શકાય એવા ૪૨ રૂમ બનાવાયા છે. ૨૪ કલાક ગરમ-ઠંડા પાણીની સુવિધા સાથેના એટેચ બાથરૂમ, વિશાળ ડાયનીંગ હોલ, પોતાના વાહન માટે વિશાળ પાર્કીંગ, ઇન્ટરનેટ સર્વિસ, ટેરેસ ગાર્ડન, આર.ઓ.પી.ડી. રૂમ, બાર્બર શોપ બેન્કવેટ હોલ સહિત રોજીંદા જીવનમાં જરૂરી નાની નાની વાતોનું ધ્યાન રાખી દરેક સગવડ પૂરી પાડવામાં આવશે. સેન્ટરમાં રહેતા લોકો દ્વારાજ સંસ્થાનું સંચાલન ચલાવાય એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
સીનીયર સીટીઝન હોમ અને ડે કેર સેન્ટર ‘મંજુલ'ના વિચારને મૂર્તિમંત કરવા માટ સૌપ્રથમ શ્રી મંજુલાબેન ટપુલાલ મહેતા અને ટપુલાલ ભગવાનજી મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રૂા. બે કરોડ એકાવન લાખનું અનુદાન આપવામાં આવ્યું હતું. રાજકોટ શહેરની મધ્યમાં પી.ડી. માલવીયા કોલેજ સામે, ગોંડલ રોડ ઉપર ૧૮ કરોડના ખર્ચે ૧ર માળનું આ અદ્યતન ભવન નિર્માણ પામ્યું છે. જેમાં સમાજના ઉદારદિલા દાતાઓનો ખૂબ સારો સહયોગ મળ્યો હોવાનું જણાવાયું છે.
શ્રી કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમની સ્થાપના આજથી ૧૧૮ વરસ પહેલા રાજાશાહીના વખતમાં રજવાડાઓના સહયોગથી સમાજના અમુક શ્રેષ્ઠીઓ દ્વારા મા-બાપ વગરના અનાથ બાળકો, તરછોડાયેલા બાળકોને નવજીવન આપવાના હેતુ સાથે કરવામાં આવી હતી. આજે ૧૧૯ વરસે સંસ્થા દ્વારા અનાથ બાળકોના ઉછેર સાથે તેનો અભ્યાસ, સારા સંસ્કારોના સિંચન સાથે ઉછેર, ઉચ્ચ અભ્યાસ સાથે સમાજમાં માનભેર રહી શકે એ રીતે પગભર કરવામાં આવે છે.
કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમના પ્રમુખ અરવિંદભાઇ પટેલ, ઉપપ્રમુખ ચંદ્રકાન્તભાઇ પટેલ (મો. ૯૪ર૬૯૧૮૬૧૯) માનદ મંત્રી દિનેશભાઇ ઠક્કર, સહ માનદ મંત્રી મનિષભાઇ મહેતા, ખજાનચી પ્રવીણભાઇ અધારા (મો. ૯૩૭૪૧ર૮૧૩૮) સહિત સમગ્ર ટ્રસ્ટગણ સેવા આપી રહ્યા છે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમના સર્વશ્રી ચંદ્રકાન્તભાઇ પટેલ, પ્રવિણભાઇ અધારા, રાજુભાઇ મહેતા અને વિજય મહેતા નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)
(3:45 PM IST)










