News of Wednesday, 21st January 2026
જિલ્લા પંચાયતના કાર્યક્ષેત્રમાં મોબાઇલ લેબ.વાન માટેની માંગણીને આશાસ્પદ પ્રતિસાદ
હરતી ફરતી લેબોરેટરી ખૂબ ઉપયોગી થઇ શકેઃ લીલાબેન ઠુમર : પ્રભારી મંત્રીએ રજૂઆતને મુખ્યમંત્રી કાર્યાલયમાં મોકલી

રાજકોટ, તા.૨૧: જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના અધ્યક્ષ શ્રીમતી લીલાબેન બટુકભાઇ ઠુમરએ જિલ્લામાં આરોગ્ય સેવાને વધુ સુદ્રઢ બનાવવા ૩ મોબાઇલ લેબોરેટરી વાન ફાળવવા પ્રભારી મંત્રી શ્રી જીતુ વાઘાણીને રજુઆત કરેલ. પ્રભારી મંત્રીએ આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા મુખ્યમંત્રી કાર્યાલયને પત્ર પાઠવ્યો છે. આ માંગણીને હકારત્મક પ્રતિસાદ મળ્યો છે.
લીલાબેન ઠુંમરે આરોગ્યમંત્રી, પ્રભારીમંત્રી વગેરેને પત્ર પાઠવી રાજકોટ જિલ્લા પંચાયત અંતર્ગત આવેલ અલગ-અલગ ગ્રામ્ય વિસ્તારોમાં હાલમાં આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે મોબાઇલ લેબોરેટરી વાનની અત્યંત જરૂરીયાત છે. ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને રોગ નિદાન માટે તાલુકા અથવા જિલ્લા કેન્દ્ર સુધી આવવું પડે છે, જેને કારણે સમય અને ખર્ચનો મોટો બોજો પડે છે. જો મોબાઇલ લેબોરેટરી વાન ઉપલબ્ધ થશે તો ગ્રામ્ય વિસ્તારોમાં તાત્કાલિક બ્લડ, યુરિન, સુગર, મેલેરિયા, ડેંગ્યુ વગેરેની લેબ ટેસ્ટો સ્થળ પર જ કરી શકાશે. ગર્ભવતી માતાઓ, વૃદ્ધ નાગરિકો, દિવ્યાંગ તથા અન્ય દર્દીઓને પરીક્ષણ માટે લાંબો પ્રવાસ કરવો નહીં પડે. આરોગ્ય વિભાગની કેમ્પ પ્રવૃત્તિઓ વધુ અસરકારક રીતે અમલમાં મુકી શકાશે. રોગ ચાળાની સ્થિતિમાં ઝડપથી સર્વે તથા નમૂના પરીક્ષણ કરી શકાશે.
(3:29 PM IST)










