<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

જળક્રાંતિનો નવો અધ્‍યાય : ગીરગંગા પરિવાર અને મારવાડી યુનિવર્સિટી વચ્‍ચે ઐતિહાસિક એમઓયુ

મારવાડી યુનિવર્સિટીના ૧૭,૦૦૦ વિદ્યાર્થીઓ જળસંચયના કાર્યમાં બનશે સહભાગી

રાજકોટ, તા. રર : જળસંકટને કાયમી ધોરણે દૂર કરવાના મિશન સાથે કાર્યરત ગીરગંગા પરિવાર ટ્રસ્‍ટ અને શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર મારવાડી યુનિવર્સિટી વચ્‍ચે એક મહત્‍વપૂર્ણ એમઓયુ કરવામાં આવ્‍યા છે. આ ભાગીદારી હેઠળ ગીરગંગા પરિવાર ટ્રસ્‍ટ દ્વારા હાથ ધરવામાં આવતા જળ સંચયના વિવિધ પ્રોજેકટસમાં મારવાડી યુનિવર્સિટી સક્રિયપણે જોડાશે. આ એમઓયુ મુજબ મારવાડી યુનિવર્સિટીમાં અભ્‍યાસ કરતા ૧૭,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ગીરગંગા પરિવાર ટ્રસ્‍ટના જળ સંચય અભિયાનનો હિસ્‍સો બનશે. વિદ્યાર્ર્થીઓ માત્ર શૈક્ષણિક જ્ઞાન પૂરતા સીમીત ન રહેતા, ગ્રાઉન્‍ડ લેવલ પર જઇને ચેકડેમ ઉંડા કરવા, બોર રિચાર્જ અને જળ જાગૃતિના કાર્યોમાં પોતાનું યોગદાન આપશે. આ પગલાથી યુવા પેઢીમાં પર્યાવરણ પ્રત્‍યેની જવાબદારી વધશે અને જળસંરક્ષણનો સંદેશ ઘરે-ઘરે પહોંચશે.

ઉલ્લેખનીય છે કે, ‘વોટરમેન ઓફ ઇન્‍ડિયા' તરીકે જાણીતા અને ગીરગંગા પરિવાર ટ્રસ્‍ટના પ્રમુખ દિલીપભાઇ સખીયાના  નેતૃત્‍વમાં ટ્રસ્‍ટે અત્‍યાર સુધીમાં અભૂતપૂર્વ સફળતા મેળવી છે અને ટ્રસ્‍ટ દ્વારા અત્‍યાર સુધીમાં ૮,૦૦૦ થી વધુ ચેકડેમ અને જળ સંગ્રહના કાર્યો પૂર્ણ કરવામાં આવ્‍યા છે. જળ સંરક્ષણ ક્ષેત્રે શ્રેષ્‍ઠ કામગીરી માટે ટ્રસ્‍ટને નેશનલ વોટર એવોર્ડ-ર૦રપ અને ગ્‍લોબલ સીએસઆર અને ઇએસજી એવોર્ડ જેવા પ્રતિષ્‍ઠિત સન્‍માન મળી ચૂકયા છે. લોકભાગીદારી દ્વારા ગામડાઓના ચેકડેમ ઉંચા કરવા, ઉંડા કરવા, નાવ બનાવવા, કૂવા-બોર રિચાર્જ કરવા વગેરેના માધ્‍યમથી ગીરગંગા પરિવાર ટ્રસ્‍ટ દ્વારા ખેડૂતોને સમૃદ્ધ બનાવવાનું કાર્ય નિરંતર ચાલુ છે. 

(3:22 PM IST)