News of Thursday, 22nd January 2026
મનપાએ સીલ મારેલ ર૪ મિલ્કતોમાં બાંધકામ શરૂ! મીલ્કત ધારકોએ જાતે તાળા ખોલ્યાનો ઘટસ્ફોટ
વેરા શાખા દ્વારા મિલ્કત વેરાના બાકીદારો ઉપર કડક કાર્યવાહી પણ લાગવગીયાઓએ તોડ ગોતી લીધો : જનરલ બોર્ડમાં સભ્યના પ્રશ્નમાં તંત્રનો સતાવાર જવાબ

રાજકોટ, તા.૨૨: મનપાના વેરા વિભાગ દ્વારા મિલકત વેરાના બાકીદારો વિરૂધ્ધ કડક કાર્યવાહી હાથ ધરી દર વર્ષે અનેક બાકીદારોની મિલકતો સીલ કરવામાં આવી રહી છે. સીલ થયેલ મિલકતોનો વેરો ભરપાઇ થયે તંત્ર દ્વારા સીલ ખોલી આપવામાં આવે છે.
પરંતુ અમુક લાગવગીયાઓ દ્વારા વધારાનુ બાંધકામ કરવાનુ બહાનુ આગળ ધરી પોતાની જાતે સીલ ખોલી નાખ્યાનુ બહાર આવતા વેરા વિભાગે આ પ્રકારના લોકો વિરૂધ્ધ સીજીડીઆરની જોગવાઇ મુજબ કાર્યવાહી હાથ ધર્યાનુ જાણવા મળેલ છે. અત્યાર સુધીમાં ૨૪ મિલકોતના સીલ આ રીતે ખુલી ગયાનું વેરા વિભાગના સુત્રોએ જણાવ્યુ હતું.
મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે જાન્યુઆરી માસથી માર્ચ સુધી બાકીદારો વિરૂધ્ધ કડક કાર્યવાહી હાથ ધરી મિલકત સીલીંગ અને મિલકત જપ્તી સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા ઘણા વર્ષોથી અમુક મિલકતો કાયમી ધોરણે સીલ રહેવા પામી છે. હાલ પણ દરરોજ ૨૫થી ૩૦ મિલકતો સીલ થઇ રહી છે. સીલ થયેલ મિલ્કત માલીકને વેરો ભરપાઇ કરવાની મુદત અપાય છે અને વેરો ભરપાઇ થયે તંત્ર દ્વારા સીલ ખોલી અપાય છે.
પરંતુ લાગવગ ધરાવતા લોકો દ્વારા નિયમોમાં છટક બારી શોધી વધારાનુ બાંધકામ કે બાંધકામમાં ફેરફાર કરવાના બહાના તળે સીલ ખોલી નાખતા હોવાનુ વેરા વિભાગના ધ્યાને આવેલ છે. આથી સર્વે કરી વેરા વિભાગના ચોપડે સીલીંગ બોલતી મિલકતો પૈકી જે મિલકતના સીલ ખુલી ગયા હશે તેવા મિલકત માલિક વિરૂધ્ધ સીજીડીઆરની જોગવાઇ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
વેરા વિભાગના સુત્રોમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ સીલ થયેલ મિલકતમાં બાંધકામમાં સુધારા વધારા થઇ શકતા નથી. જેના માટે સંપૂર્ણ વેરો ભરપાઇ કરી બાંધકામની મંજૂરી લેવી ફરિજયાત છે. છતાં અનેક લોકોએ નિયમનુ ઉલંધન કરેલ હોય તેમની વિરૂધ્ધ પગલા લેવામાં આવશે. તેમ તંત્રના સુત્રોએ જણાવ્યું હતું.
(3:56 PM IST)










