News of Friday, 23rd January 2026
મને બધા માફ કરજો, કેન્સર સામે લડવાની હવે હિમત નથીઃ ચિઠ્ઠી લખી કારખાનેદારે ઝેર પીધું
સોરઠીયાવાડીના યુવાને પરસાણાનગરમાં કારખાને જ પગલુ ભર્યુઃ ગંભીર હાલત

રાજકોટ તા. ૨૩: જીલ્લા ગાર્ડન પાસે સોરઠીયાવાડી-૬માં રહેતાં મનોજભાઇ દેવરાજભાઇ સરવૈયા (ઉ.વ.૪૨) નામના યુવાને બાપુનગર નજીક પરસાણાનગર-૪માં સ્મશાન પાસે આવેલા પોતાના કલ્પેશ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
મનોજભાઇ બે ભાઇ અને બે બહેનમાં નાના છે અને સંતાનમાં બે દિકરી છે. તેના મોટા ભાઇ પણ સાથે જ કારખાનુ ચલાવે છે. મનોજભાઇને કેન્સરની બિમારી હોઇ તેના કારણે કંટાળી જઇ આ પગલુ ભર્યુ હતું. હાલ તે સારવાર હેઠળ છે.
તેણે ઝેર પીધા પહેલા સ્યુસાઇડ નોટ લખી છે. જેમાં લખ્યું છે કે-મમ્મી, ઉષા, કલ્પેશભાઇ, કુકુમ, જેમીશા, મહેક, સાવન તમને બધાને હું હાથ જોડીને માફી માંગુ છું. હું આ પગલુ ભરુ છું એ બદલ. કેમ કે હવે મારામાં હિમ્મત રહી નથી આ કેન્સરના રોગ સામે લડવાની. કેમ કે મને પાછુ કેન્સર થઇ ગયું છે, રોજ હું મોઢાનો દુઃખાવો સહન કરી થાકી ગયો છું. એના માટે થઇને હું આ પગલુ ભરુ છું. મને માફ કરી દેજો બધા. લી. સરવૈયા મનોજ. પોલીસે આ ચિઠ્ઠી કબ્જે કરી જરૂરી કાર્યવાહી કરી હતી.
પતિ ગૂમ થતાં વનિતાબેને ફિનાઇલ ગટગટાવ્યું
અન્ય બનાવમાં ૮૦ ફુટ રોડ પર સત્યમ્ પાર્ક-૧માં રહેતાં વનીતાબેન ચેતનભાઇ અઘેરા (ઉ.વ.૪૦) નામના મહિલાએ સવારે ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેને સંતાનમાં એક દિકરો અને બે દિકરી છે. પતિ ફર્નિચરનું કામ કરે છે. બનાવની જાણ થોરાળા પોલીસને કરવામાં આવી હતી. પતિ કેટલાક સમયથી ગૂમ થઇ ગયા હોઇ આ કારણે ટેન્શનમાં પગલુ ભર્યુ હતું.
રેલનગરની સગીરા ફિનાઇલ પી ગઇ
ત્રીજા બનાવમાં રેલનગર વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષની સગીરાએ સવારે ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી. તેણી માતા-પિતાનું એકનું એક સંતાન છે. પોલીસે કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
(3:59 PM IST)










