News of Friday, 23rd January 2026
સાયબર ફ્રોડ માટે દિવ્યેશે ભાડે આપેલા ખાતામાં ૧૪ લાખના ટ્રાન્જેક્શનઃ કમિશન મળ્યું પાંચ હજાર
આંધ્રપ્રદેશ, કર્ણાટક, દિલ્હીમાં થયેલી ઠગાઇના નાણા જમા થયા હતાં : ઠક્કરબાપા હરિજનવાસના દિવ્યેશ જાદવની પુછતાછમાં મિત્ર ભગવતીપરાના તરૂણ ઘાવરીના કહેવાથી ખાતુ આપ્યાનું અને નાણા ઉપાડી પણ તરૂણને આપી દીધાનું ખુલ્યું: પ્ર.નગર પોલીસ દ્વારા શોધખોળ

રાજકોટ તા. ૨૩: સાયબર ફ્રોડના નાણા સગેવગે કરવા પોતાનું બેંક ખાતુ કમિશનથી ભાડે આપવાના વધુ એક બનાવમાં ગુનો દાખલ થયો છે. ઠક્કરબાપા હરિજનવાસના યુવાને ભગવતીપરામાં રહેતાં મિત્રના કહેવાથી પોતાનુ બેંક ખાતુ ભાડે આપતાં તેમાં ફ્રોડના ૧૪ લાખના ટ્રાન્જેક્શન થયા હતાં. આ રકમ તેણે ઉપાડીને મિત્રને આપી દીધી હતી. જેના બદલામાં તેને પાંચ હજાર કમિશન મળ્યું હતું.
સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ ગાંધીનગર તરફથી મળેલી ચોક્કસ વિગતો અને બેંક ટ્રાન્જેક્શનના આધારે પ્રદ્યુમન નગર પોલીસની ટીમ તપાસમાં હતી. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એક શંકાસ્પદ ખાતાની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ ખાતામાં ટૂંકા ગાળામાં લાખો રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો થયા છે.
પોલીસે તપાસ હાથ ધરતા આ ખાતું દિવ્યેશ દિનેશભાઈ જાદવ (રહે. ઠક્કરબાપા હરીજનવાસ, રાજકોટ)ના નામે હોવાનું ખુલ્યું હતું. આ ખાતામાં આંધ્રપ્રદેશ, દિલ્હી અને કર્ણાટક જેવા રાજ્યોમાંથી સાયબર ફ્રોડના ભોગ બનેલા લોકોના નાણાં જમા થયા હોવાની વિગતો એનસીપીઆર પોર્ટલ પરથી મળી આવી હતી.
પોલીસે જ્યારે દિવ્યેશ જાદવની કડક પૂછપરછ કરી ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. દિવ્યેશે કબુલાત કરી હતી કે તેના મિત્ર તરૂણ હરસુખભાઈ ઘાવરી (રહે. ભગવતી પરા, રાજકોટ) એ તેને લાલચ આપી હતી કે ટ્રેડિંગ અને ટેક્સ ચોરીના નાણાં ફેરવવાના બદલામાં સારું કમિશન મળશે.આ લાલચમાં આવી દિવ્યેશ પોતાનું બેંક એકાઉન્ટ તરૂણને વાપરવા આપ્યું હતું. આ ખાતામાં અલગ-અલગ તારીખે રૂ. ૨.૯૦ લાખ, રૂ. ૧.૮૦ લાખ અને રૂ. ૧૦ લાખ જેવી મોટી રકમો જમા થઈ હતી. દિવ્યેશે આ નાણાં ચેક અને એટીએમ મારફતે ઉપાડી તરૂણને આપી દીધા હતા, જેના બદલામાં તેને માત્ર રૂ. ૫,૦૦૦ કમિશન મળ્યું હતું.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ખાતામાં જે નાણાં આવ્યા હતા તે અન્ય રાજ્યોમાં થયેલા સાયબર ફ્રોડના હતા. હાલ પોલીસે દિવ્યેશ જાદવની અટકાયત કરી છે અને તરૂણ ઘાવરીની શોધખોળ હાથ ધરી છે. પીઆઇ વી. આર. વસાવાની રાહબરીમાં લોકરક્ષક જીત પાઠકની ફરિયાદ દાખલ કરી તપાસ આગળ ધપાવાઇ છે. (૧૪.૧૧)
(3:37 PM IST)










