<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

મહાશિવરાત્રીએ રથયાત્રા : કાર્યાલયનો કાલથી પ્રારંભ

દશનામ ગોસ્‍વામી સમાજ પ્રેરિત શિવ રથયાત્રા સમિતિનું આયોજન : આ વર્ષે ભગવાન પશુપતિનાથનો મુખ્‍ય રથ અને સાથે ઘોડા-ઉંટ-ડી.જે.ના તાલે ભાવિકો જોડાશે : રથયાત્રા રૂટ પર વિશાળ બાંબૂ સાથેના ઝંડા લગાવાશે

રાજકોટ, તા. ર૪ : દશનામ ગોસ્‍વામી સમાજ, રાજકોટ પ્રેરિત શિવ રથયાત્રા સમિતિ દ્વારા સતત ૧૪માં વર્ષે મહાશિવરાત્રી નિમિતે ‘‘સનાતન હિન્‍દુ ધર્મ શિવ રથયાત્રા''નું આયોજન કરાયું છે.

‘‘અકિલા'' ખાતે વિગતો વર્ણવતા શિવ રથયાત્રા સમિતિના આગેવાનોએ જણાવ્‍યું હતું કે સમગ્ર શહેરને શિવમય બનાવવા પૂરજોશથી તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. આ નિમિતે સમિતિના મુખ્‍ય કાર્યાલયનો ઉદ્દઘાટન સમારોહ કાલે તા. રપના રવિવારે સાંજે ૬ વાગ્‍યે સુતા હનુમાનજી મંદિર સામે, વીર ભગતસિંહ કોમ્‍પ્‍લેક્ષ, કોઠારીયા રોડ ખાતે સંતો મહંતો અને ગણમાન્‍ય નાગરિકોની ઉપસ્‍થિતિમાં યોજેલ છે.

આગામી ૧પ ફેબ્રુઆરીના યોજાનાર આ વર્ષ ર૦ર૬ની રથયાત્રામાં નેપાલ સ્‍થિત ભગવાન પશુપતિનાથ મહાદેવના મુખ્‍ય રથ સાથે ૧ર જ્‍યોતિર્લીંગના ફલોટ જોડાશે. તેમજ ઘોડા-ઉંટ તથા ડી.જે. સાથે ભાવિકો હજારોની સંખ્‍યામાં જોડાશે.

રથયાત્રાનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય સનાતન હિન્‍દુ ધર્મના મુલ્‍યો, સંસ્‍કૃતિ અને આસ્‍થાનો પ્રચાર- પ્રસાર કરવાનો છે. યુવા પેઢી ધર્મ અને સંસ્‍કારોથી ઉજાગર બને તે માટે દર વર્ષે આ શિવરથયાત્રા યોજવામાં આવે છે.

શહેરનો માહોલ શિવભકિતમય બની રહે તે હેતુથી રથયાત્રા સમિતિ દ્વારા પૂર્વ દિવસોમાં શહેરના મુખ્‍ય ચોક અને રથયાત્રાના રૂટ ઉપર વિશાળ બાંબૂ સાથે કેસરીયા ઝંડા લગાવવામાં આવશે. ઉપરાંત રથયાત્રા દરમિયાન ભાવિકોને રૂદ્રાક્ષનો પારાનું વિતરણ કરવામાં આવશે.

કાલે કાર્યાલય ઉદ્દઘાટન સમારોહમાં પણ શિવભકતોએ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિન  રહેવા અને વધુ માહિતી માટે કાર્યાલય મો. ૯રર૭પ૬૪૦૪૧ અને ૯૧૦૪ર૧૦૧૧૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા શિવ રથયાત્રા સમિતિના ધર્મેન્‍દ્રગીરી રતુગીરી ગોસ્‍વામી, ગૌતમગીરી અમનગીરી ગોસ્‍વામી, હાર્દિકભાઇ જાવીયા, યુગગીરી કૈલાસગીરી ગોસ્‍વામી, અજયવન રમેશવન ગોસ્‍વામી, ભાવેશગીરી નટવરગીરી ગોસ્‍વામી, અમીતગીરી રાજેશગીરી ગોસ્‍વામી, હરેશભારથી હસમુખભારથી ગોસ્‍વામી, ગૌરવભારથી વિજયભારથી ગોસ્‍વામી નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા) 

(2:34 PM IST)