News of Saturday, 24th January 2026
છોટુનગર ઝૂપડપટ્ટી નજીકના અકસ્માતમાંં ઘવાયેલા નેપાળી યુવાન રેશમ થાપાનું મોત
અમરજીતનગરમાં રહેતો રેશમ નેપાળી અને શિતલ પાર્ક-બજરંગવાડીના બે ભાગીદાર મિત્રો હર્ષ ગોરાણીયા તથા વિરલ પરમારને એકટીવા-બાઇક અથડાતા ઇજા થઇ હતી

રાજકોટ તા. ૨૪: હનુમાન મઢીથી જુના એરપોર્ટ તરફ જતાં રસ્તે છોટુનગર ઝુપડપટ્ટી પાસે ગુરૂવારે બે ટુવ્હીલર સામ સામે અથડાતાં અમરજીત નગરમાં રહેતાં નેપાળી યુવાન અને બજરંગવાડી, શિતલ પાર્કમાં રહેતાં બે ભાગીદાર મિત્રોને ઇજાઓ થતાં સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. જે પૈકી નેપાળી યુવાનનું મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
જાણવા મળ્યા મુજબ અમરજીતનગરમાં રહેતો રેશમભાઇ નરબહાદુર થાપા (ઉ.વ.૪૦) સાંજે નિર્મલા રોડ પર લોન્ડ્રીમાં પોતે નોકરી કરતો હોઇ ત્યાંથી એકટીવા હંકારી ઘરે જતો હતો ત્યારે છોટુનગર ઝૂપડપટ્ટી નીલ દા ધાબા વાળા રોડ પર મંદિર પાસે પહોંચતા સામેથી આવી રહેલા બાઇક સાથે અકસ્માત સર્જાતા રેશભાઇ ફંગોળાઇ જતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. રેશમભાઇને સંતાનમાં ત્રણ દિકરા છે. તે પાંચ ભાઇ અને બે બહેનમાં વચેટ હતાં.
સામેના બાઇક પર બેઠેલા શિતલ પાર્કના હર્ષ સુભાષભાઇ ગોરાણીયા (ઉ.વ.૩૨) અને બજરંગવાડી-૫ના વિરલ મહેશભાઇ પરમાર (ઉ.વ.૨૫)ને પણ ઇજાઓ થતાં બંને સારવાર હેઠળ છે. આ બંને ફાયર સેફટીનો ભાગીદારીમાં ધંધો કરે છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી હતી.
(2:49 PM IST)










