News of Tuesday, 27th January 2026
રાજકોટ રહી નોકરી કરતાં પોરબંદરના ૨૮ વર્ષિય યશ વાળાનો ફાંસો ખાઇ આપઘાત
દિવ્યાંગ પિતા અને પરિવારનો આધારસ્તંભ હતોઃ બ્યુટી પાર્લરની કંપનીમાં નોકરી કરતો હતોઃ રૂમ પાર્ટનર છોકરાઓને ટીફીન લેવા મોકલી પગલુ ભર્યુ

રાજકોટ તા. ૨૭: શહેરના કાલાવડ રોડ પર આત્મીય કોલેજ પાછળ જગન્નાથ પ્લોટ ચોકમાં રૂમ રાખીને રહેતાં મુળ પોરબંદરના યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
જાણવા મળ્યા મુજબ જગન્નાથ પ્લોટમાં રહેતાં યશ લાખાભાઇ વાળા (ઉ.વ.૨૮) નામના યુવાને ગળાફાંસો ખાઇ લેતાં ૧૦૮ બોલાવાઇ હતી. તેના તબિબે તેને મૃત જાહેર કરતાં તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર યશ મુળ પોરબંદરનો વતની હતો. તેના પરિવારજનો ત્યાં વણકરવાસ પ્લોટમાં રહે છે. પોતે રાજકોટ ચારેક વર્ષથી રહી બ્યુટી પાર્લરની કંપનીમાં નોકરી કરતો હતો.
યશ ગઇકાલે સાંજે રૂમ ખાતે હતો ત્યારે સાથેના બીજા છોકરાઓને ટીફીન લેવા મોકલ્યા હતાં. આ છોકરા ટીફીન લઇને આવ્યા ત્યારે તે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો. ૧૦૮ના તબિબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે જાણ કરતાં પોરબંદરથી પરિવારજનો રાજકોટ પહોંચ્યા હતાં. પિતા લાખાભાઇએ જણાવ્યું હતું કે મારે સંતાનમાં એક મોટી દિકરી અને યશ એક જ દિકરો હતો. દિકરી સાસરે છે. યશના લગ્ન થયા નહોતાં. અમે જ્યારે લગ્નનું કહીએ ત્યારે તે કહેતો કે પહેલા મારે કારકિર્દી બનાવવી છે પછી લગ્ન કરીશ. તે રાજકોટ રહી નોકરી કરતો હતો. હું દિવ્યાંગ હોઉ તે પરિવારનો એક જ આધાર હતો. તેણે કયા કારણે આ પગલુ ભર્યુ તેની અમને પણ ખબર નથી. તાલુકા પોલીસે તપાસ યથાવત રાખી છે. (૧૪.૧૩)
(11:20 AM IST)










