<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

યુવતિએ મિત્ર પાસે ઘર ખર્ચના રૂપિયા માંગતા બેફામ ધોલાઇઃ માથું પકડી દિવાલમાં ભટકાવ્‍યું

ગોંડલ રોડ માનસત્તા આવાસમાં દિકરી સાથે રહેતી મિત્તલબેનની ફરિયાદ પરથી માલવીયાનગર પોલીસે નંદા હોલ પાસે રહેતાં કાલવાડના બેડીવડાળાના ભરત ચંદ્રપાલ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો : ચાર વર્ષ પહેલા બંનેએ મૈત્રી કરાર કર્યા છે, બે વર્ષથી અલગ રહે છેઃ ભરતે દિકરીને લઇ જવી છે કહી ધમાલ મચાવ્‍યાનો આરોપ

રાજકોટ તા. ૨૭: શહેરના ગોંડલ રોડ પર રહેતાં યુવતિને કાલાવડ પંથકના યુવાન સાથે ચાર વર્ષથી મૈત્રીકરાર હોઇ અને બે વર્ષથી બંને અલગ અલગ રહેતાં હોઇ આ યુવતિએ મિત્રને ફોન કરી ઘર ખર્ચના પૈસા માંગતા તેણે યુવતિના ઘરે આવી ઝઘડો કરી આપણી દિકરી ક્‍યાં છે? મારે તેને લઇ જવી છે કહી ગાળાગાળી કરી મારા મારી કરી યુવતિનું માથું પકડી ભીંતમાં ભટકાવતાં તેણી લોહીલુહાણ થઇ ગઇ હતી. આ બનાવમાં માલવીયાનગર પોલીસે   ગોંડલ રોડ માનસત્તા આવાસ ક્‍વાર્ટર બ્‍લોક નં. ૧૨ પૂજારા મોબાઇલ નજીક રહેતાં મિત્તલબેન રમેશભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૫)ની ફરિયાદ પરથી તેના મિત્ર ભરત મુળજીભાઇ ચંદ્રપાલ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

મિત્તલબેને ફરિયાદમાં જણાવ્‍યું છે કે  હું મજુરી કરી ગુજરાન ચલાવુ છું. ચાર વર્ષ પહેલા કાલાવડના બેડીવડાળા ગામના ભરત ચંદ્રપાલ સાથે મૈત્રીકરાર કર્યા હતાં. અમે બંને સાથે રહેતાં હતાં અને હાલ બે વર્ષથી અલગ અલગ રહીએ છીએ. હાલ મારા મિત્ર ભરત નંદા હોલ પાસે રહે છે. તા. ૨૩/૧ના રોજ હું ઘરે હતી અને ઘર ખર્ચના રૂપિયાની જરૂર હોઇ મેં સાંજે સાતેક વાગ્‍યે મિત્ર ભરતને ફોન કરી ઘર ખર્ચના પૈસાની વાત કરતાં તે થોડીવારમાં મારા ઘરે આવ્‍યો હતો અને જેમ ફાવે તેમ ગાળો ભાંડી હતી અને કહ્યું હતુ઼ કે-મારી પાસે પૈસા નથી. જેથી મેં ઘર ખર્ચના પૈસાનું કહેતાં તેણે કહેલું કે-આપણી દિકરી રિધ્‍ધી ક્‍યાં છે? મારે તેને લઇ જવી છે.

આમ કહી તે એકદમ ઉશ્‍કેરાઇ ગયો હતો. મેં તેને મારી દિકરી મારી સાથે જ રહેશે અને તારે ઘર ખર્ચના રૂપિયા આપવા જ પડશે તેમ કહેતાં તે વધુ રોષે ભરાયો હતો અને મને ઢીકાપાટુનો માર મારી ગાળો દેવા માંડયો હતો. મને શું કામ મારે છે? શું કામ ગાળો આપે છે? તેમ પુછતાં તેણે વધુ ઉશ્‍કેરાઇને આડેધડ શરીરે માર માર્યો હતો. ઝપાઝપીમાં ભરતે મને ગરદનથી પકડી ભીંતમાં માથું પટકાવતાં માથામાંથી લોહી નીકળવા માંડતા હું રાડારાડી કરવા માંડતા માણસો ભેગા થઇ જતાં તે ભાગી ગયો હતો. બાદ કોઇએ ૧૦૮ બોલાવતાં મને સારવાર માટે ખસેડી હતી. ત્‍યાં સારવાર લઇ પોલીસ સ્‍ટેશને ફરિયાદ નોંધાવવા પહોંચી હતી.

મેં મારા મિત્ર પાસે ઘર ખર્ચના પૈસા માંગતા તેણે ગુસ્‍સે થઇ ગાળો દઇ માર મારી તું તારી રીતે પૈસાની વ્‍યવસ્‍થા કરી લે તેમ કહી વધુ મારકુટ કરી માથુ ભટકાવતાં ઇજા થઇ હતી. તેમ વધુમાં તેણીએ જણાવતાં માલવીયાનગર પીઆઇ જે. આર. દેસાઇની રાહબરીમાં એએસઆઇ જીજ્ઞેશભાઇ મિયાત્રાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

(2:35 PM IST)