News of Tuesday, 27th January 2026
આ ત્રણ મહિલા મારી બહેનો છે, કેમ તું સામુ જોવે છે? ચાલ પોલીસ સ્ટેશને...કહી પ્રોૈઢને ધોકાવી લૂંટ
ઢેબર રોડ લાખાજીરાજ રોડના ખુણે રાજસ્થાનીની લારીએ બરી ખાવા આવેલા સંજયભાઇ લૂંટાયા : આંબેડકરનગરના રહેવાસી બરી ખાધા બાદ પાર્ક કરેલા બાઇક પર બેસી મિત્ર સાથે વાત કરતા હતાં ત્યારે નજીકમાં મહિલાઓ ઉભી હતીઃ ત્રણ શખ્સે આવી માર મારી મોબાઇલ અને બાઇક લૂંટી લીધાઃ એક શકમંદ શખ્સને એ-ડિવીઝન પોલીસે ઉઠાવી પુછતાછ આદરી

રાજકોટ તા. ૨૭: શહેરના ગોંડલ રોડ પર રહેતાં અને મેટોડા કંપનીમાં મજૂરી કરતાં પ્રોૈઢ ચાર દિવસ પહેલા લાખાજી રાજ રોડ પર ઢેબર ચક પાસે બરી ખાવા રાજસ્થાનીની લારીએ આવ્યા અને બરી ખાધા બાદ નજીકમાં પોતાનું બાઇક પાર્ક કર્યુ હોઇ તેના પર બેસી મિત્ર સાથે ફોનમાં વાત કરતાં હતાં ત્યારે સામે ત્રણસ્ત્રીઓ પણ ઉભી હોઇ એ વખતે બાઇક પર આવેલા ત્રણ શખ્સોમાંથી એકે આ ત્રણેય મારી બહેનો છે, તું કેમ તેની સામે જોવે છે? કહી ઝાપટો મારી ચાલ પોલીસ સ્ટેશને લઇ જવાનો છે કહી તેના જ બાઇકમાં બેસાડી આગળ આરએમસી ચોકથી આશાપુરા રોડ તરફના રસ્તે લઇ જઇ ત્યાં ઉભો રાખી ફરીથી માર મારી મોબાઇલ ફોન અને બાઇક લૂંટી લેતાં ચકચાર જાગી છે.
આ બારામાં એ-ડિવીઝન પોલીસે ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગર-૯માં રહેતાં સંજયભાઇ બીજલભાઇ પરમાર (ઉ.વ.૫૦)ની ફરિયાદ પરથી ત્રણ અજાણ્યા શખ્સો સામે લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી એક શકમંદની પુછપરછ હાથ ધરી છે. સંજયભાઇ પરમાર પરિવાર સાથે રહે છે અને મેટોડા ગેઇટ નં. ૧ ખાતે મેકપાવર કંપનીમાં મજૂરી કરે છે. તેણે જણાવ્યું હતું કે ૨૩/૧ના રાતે સાડા નવેક વાગ્યે હું ઘરેથી હોન્ડા પ્લસ જીજે૦૩પીઇ-૪૨૮૯ હંકારીને ઢેબર ચોક પાસે લાખાજીરાજ રોડ પર આવેલ રાજસ્થાનીની લારીએ બરી ખાવા ગયો હતો. બરી ખાધા બાદ રાતે દસેક વાગ્યે હું મારા મિત્ર કુલદીપભાઇ સાથે વાત કરવા લારીથી થોડે આગળ મારુ બાઇક પાર્ક કર્યુ હતું ત્યાં ગયો હતો અને બાઇક પર બેસીને ફોન કાઢી મિત્ર સાથે વાત કરતો હતો.
આ વખતે ત્યાં સામેની બાજુના ખુણામાં ત્રણસ્ત્રીઓ ઉભી હતી. તે વખતે લાખાજીરાજ રોડ સાંગણવા ચોક તરફથી એક હોન્ડા આવ્યું હતું અને તેના ચાલકે મારી બાજુમાં ઉભુ રાખી દીધુ હતું. તેના ઉપર ત્રણ શખ્સો સવાર હતાં. જેમાંથી એક શખ્સે નીચે ઉતરી મારે પાસે આવીને કહેવા માંડયો હતો કે-આ ત્રણેય મહિલાઓ તારી સામે ઉભી છે તે મારી બહેનો છે, તું કેમ તેની સામે જોવે છે? જેથી મેં કહેલું કે હું આ બહેનોને ઓળખતો પણ નથી અને મેં તેની સામે જોયુ પણ નથી. આ સાંભળી એ શખ્સે મને ત્રણ ઝાપટો મારી દીધી હતી અને ‘ચાલ પોલીસ સ્ટેશને જઇએ' તેમ કહેતાં મેં હા પાડી હતી.
ત્યારબાદ તેના બાઇકમાં વચ્ચે બેઠેલા શખ્સે નીચે ઉતરી મારા બાઇક પર બેસી ગયો હતો અને મને પાછળ બેસવાનું કહ્યું હતું. હું પાછળ બેસી ગયો હતો. બાદમાં મને આરએમસી ચોકથી આશાપુરા રોડ તરફ જતાં નોબલ ઇલેક્ટ્રીક પાસે લઇ જઇ બાઇક ઉભુ રાખ્યું હતું. બીજા બાઇક પર બે શખ્સો આવ્યા હોઇ તે તથા મારા બાઇકમાં બેઠેલા શખ્સ એમ ત્રણેયએ મારા બાઇકની ચાવી કાઢી લઇ મને ઉતારીને નીચે પાડી દીધો હતો. બાદમાં ઢીકાપાટુ માર્યા હતાં. બીજા બે શખ્સે પણ મને ધમકાવી તારા ફોનમાંથી ગૂગલ પે કરીને પૈસા આપી દે તો જ જવા દઇશું તેમ કહેતાં મેં ના પાડતાં મારો ફોન ઝૂંટવી લીધો હતો. આ પછી ત્રણેયએ મને વધુ માર મારતાં હું ત્યાંથી દોટ મુકીને બસ સ્ટેશન પાછળ ભાગ્યો હતો અને રિક્ષા કરી ઘરે જતો રહ્યો હતો. બાદમાં પરિવાર સાથે ચર્ચા કરી પોલીસને જાણ કરી હતી.
અજાણ્યા શખ્સો મારું બાઇક રૂા. ૫૦ હજારનું, તથા મારો એમઆઇ કંપનીનો મોબાઇલ ફોન રૂા. ૫૦૦૦નો મળી ૫૫ હજારની માલમત્તા લૂંટીને ભાગી ગયા હતાં. પીઆઇ બી. વી. બોરીસાગરની રાહબરીમાં હેડકોન્સ. વાય. એમ. ગોહિલે ગુનો નોંધતા ડી. સ્ટાફે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે એક શકમંદને ઉઠાવી લઇ પુછપરછ હાથ ધરતાં ભેદ ઉકેલાઇ જવાની આશા છે.
(4:05 PM IST)










