News of Wednesday, 28th January 2026
કાલાવડ રોડ પર સાંજા ચુલા હોટલમાં કામ કરતા સંતોષને આંચકી આવતા મોત
સાધુવાસવાણી રોડ એપોર્ટમેન્ટમાં એટેક આવતા ફાલ્ગુનીબેનનું મોત

રાજકોટ, તા.૨૮: કાલાવડ રોડ પર સાંજાચુલા હોટલમાં સફાઇકામ કરતા પરપ્રાંતીય યુવાનને આંચકી આવતા બેભાન થયા બાદ તેનું મોત નિપજયુ હતું.
મળતી વિગત મુજબ ઉતરપ્રદેશનો વતની અને હાલમાં ચુલા હોટેલમાં રહેતો સંતોષ રામખેલવાન કુમાર (ઉ.વ.૨૩) ગઇકાલે હોટલમાં હતો. ત્યારે તેને અચાનક આંચકી આવતા બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના એ.એસ.આઇ. નીલેષભાઇ ચાવડાએ કાર્યવાહી કરી હતી મૃતક સંતોષ તેના ભત્રીજા સાથે રહેતો હતો. અને હોટલમાં સફાઇકામ કરતો હતો. પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે. જયારે બીજા બનાવમાં સાધુવાસવાણી રોડ પર જનક કોમ્પ્લેક્ષમાં રહેતા ફાલ્ગુનીબેન તુષાર ભટ્ટ(ઉ.વ.૪૪) ગઇકાલે પોતાના ઘરે હતા ત્યારે બીમારીના કારણે તે બેભાન થઇ જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના હેડકોન્સ ગીરીરાજસિંહ તથા કિરતેશભાઇ સહિતે કાર્યવાહી કરી હતી.
(2:12 PM IST)










