News of Thursday, 29th January 2026
રાજકોટ ગ્રામ્ય પોલીસનો સપાટોઃ ૬ રાજયમાંથી નાસતા ફરતા ચાર આરોપીઓને ઝડપી લીધા
શાપરમાં બાળકીના દુષ્કર્મ કેસમાં પેરોલ જમ્પ કરી ફરાર ગુનેગાર પણ ઝબ્બેઃ એસ.પી. વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી

રાજકોટ, તા. ર૯: રાજકોટ ગ્રામ્ય પોલીસે રૂરલ એસ.પી. વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ૬ રાજયોમાંથી ચાર વોન્ટેડ આરોપીઓને ઝડપી લીધા હતા. જેમાં શાપરમાં બાળકીના દુષ્કર્મના કેસમાં પેરોલ જમ્પ કરી ફરાર આરોપીને પણ દબોચી લેવાયો હતો.
શાપરમાં માત્ર ચાર વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ ગુજારવાના ગુનામાં આજીવન કેદની સજા પામ્યા બાદ પેરોલ જમ્પ કરી બે માસથી ફરાર મૂળ ઉત્તર પ્રદેશના ધર્મેન્દ્રરામ સુધુરામને રાજકોટ રૂરલ પોલીસની પેરોલ ફર્લો સ્કવોડે બિહારના બકસરમાંથી ઝડપી લઈ રાજકોટ સેન્ટ્રલ જેલહવાલે કર્યો હતો.
જે તે વખતે આ ગુનેગાર બાળકી ઉપર દૂષ્કર્મ ગુજારી તેને લોહીલુહાણ હાલતમાં રોડની સાઈડ મૂકી ભાગી ગયો હતો. સ્થાનિક પોલીસ અને એલસીબીની ટીમોને સીસીટીવી કેમેરાના આધારે ટ્રેનમાં ભાગ્યાની માહિતી મળી હતી. જેથી વતન ગયાની શકયતા પરથી પોલીસની એક ટીમ ફલાઈટમાં તેના વતન પહોંચી હતી. જયાં તે આવતાં ઝડપી લીધો હતો. ઝડપથી કેસ ચાલી જતાં તેને આજીવન કેદની સજા પડી હતી.
રાજકોટ એલસીબી પીઆઈ વી. વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એસઓજી, પેરોલ ફર્લો સ્કવોડની જુદી-જુદી પાંચ ટીમો બિહાર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, તામિલનાડુ અને હરિયાણા વોન્ટેડ આરોપીઓને પકડવા રવાના કરવામાં આવી હતી. જે દરમિયાન ધર્મેન્દ્ર રામ ઉપરાંત અમદાવાદ ફેમિલી કોર્ટ દ્વારા મળેલી સજા રાજકોટ સેન્ટ્રલ જેલમાં ભોગવતાં પાકા કામના કેદી રાજેશ ગોહિલ (રહે. દેરડી-કુંભાજી, તા. ગોંડલ) ત્રણ વર્ષથી ફરાર હતા. જેને અમદાવાદથી ઝડપી લેવાયા હતા.
શાપરમાં એનડીપીએસના કેસમાં આઠ વર્ષથી ફરાર રાજનારાયણ ચૌધરો (રહે. ઉત્તરપ્રદેશ)ને તેના વતનથી ઝડપી લેવાયો હતો. ઉપલેટામાં છેતરપિંડીના કેસમાં દસ વર્ષથી વોન્ટેડ મૂળ તામિલનાડુના કન્નન ગોપાલ મુરૂગનને તામિલનાડુના કોઈમ્બુર ખાતેથી ઝડપી લેવાયો હતો.
ધોરાજી પોલીસમાં છેતરપિંડીના ગુનામાં છેલ્લા ૧૮ વર્ષથી વોન્ટેડ આરોપી એસવીરા પથિરાપિલ્લાઈ અંગે પોલીસે તેના તામિલનાડુ સ્થિત વતનમાં તપાસ કરતાં મળત્યુ પામ્યાનું જાણવા મળ્યું હતું.
આ કાર્યવાહી પોલીસ ઇન્સપેકટર વી.વી. ઓડેદરા, એલ.સી.બી. સ્ટાફના માણસો તથા એસ.ઓ.જી. સ્ટાફના માણસો, પોલીસ સબ ઇન્સ્પેકટર પી.એન. ભરવાડ તથા ફર્લો સ્કોડ ટીમ, પોલીસ સબ ઇન્સપેકટર એન.બી. ઝાલા તથા ટીમના માણસો તથા પોલીસ સબ ઇન્સપેકટર પી.એન. ત્રીવેદી તથા ટીમે કરી હતી.
ઍસ.પી.
વિજયસિંહ ગુર્જર
(1:12 PM IST)










