<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

ખાદ્યતેલોમાં વણથંભી તેજીઃ સીંગતેલમાં વધુ ૩૦-કપાસીયા તેલમાં ૧૫નો ઉછાળો

છેલ્લા ૧૦ દિ'માં સીંગતેલમાં ૨૫૦રૂા. અને કપાસીયા તેલમાં ૧૧૦ રૂા. વધ્‍યાઃ સટ્ટાકીય તેજી અંગે સરકાર પગલા લેશે?

રાજકોટ, તા.૨૯: ખાદ્યતેલોમાં વણથંભી તેજીનો દોર યથાવત રહ્યો છે. આજે સીંગતેલમાં વધુ ૩૦રૂા. અને કપાસીયા તેલમાં ૧૫રૂાનો ઉછાળો થયો હતો.

સ્‍થાનીક બજારમાં કાચા માલની અછતના અહેવાલે આજે પણ સીંગતેલમાં વધુ ૩૦ રૂા. વધ્‍યા હતા. સીંગતેલ લુઝ (૧૦ કિગ્રા.) ના ભાવ ૧૭૭૦ રૂા. હતા તે વધીને આજે બપોરે ૧૮૦૦ રૂા. બોલાયા હતા. સીંગતેલ નવા ટીનના ભાવ ૨૮૭૫ થી ૨૯૨૫ રૂા. હતા તે વધીને ૨૯૦૫ થી ૨૯૫૫ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા.

સીંગતેલની સાથે કપાસીયા તેલમાં પણ ૧૫ રૂા. વધ્‍યા હતા. કપાસીયા તેલ લુઝ ૧૩૩૦ રૂા. હતા તે વધીને ૧૩૪૫ રૂા. અને કપાસીયા ટીનના ભાવ ૨૩૪૦ થી ૨૩૭૦ રૂા. હતા તે વધીને ૨૩૫૫ થી ૨૩૮૫ રૂા. થયા હતા.

સતત તેજીના કારણે છેલ્લા ૧૦ દિ'માં સીંગતેલમાં ૨૫૦ રૂા. અને કપાસીયા તેલમાં ૧૧૦ રૂા.નો તોતીંગ ભાવ વધારો થયો છે. કાચા માલની અછતના બહાને શરૂ થયેલ સટ્ટાકીય તેજી સામે સરકાર પગલા ભરશે કે કેમ? તેવો પ્રશ્ન લોકોમાં પૂછાઇ રહયો છે.

(3:00 PM IST)