<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

જંગલેશ્વરમાં ૧૦ વર્ષથી જ્‍યાં રહેતાં એ મકાન પાડવાની નોટીસ મળતાં ભાડૂઆત આધેડનું હૃદય બેસી જતાં મોત

મુળ યુપીના રામપ્રસાદ ચોૈહાણને મકાન માલિક ફરીદભાઇએ નોટીસ મળ્‍યા બાદ બીજુ મકાન શોધવા કહેલું: રામપ્રસાદ બીજુ મકાન જોવા પણ ગયેલા પરંતુ ભાડુ વધુ હોઇ સતત ચિંતામાં હતાં: રાતે સુતા બાદ સવારે જાગ્‍યા જ નહિઃ પરિવારમાં ગમગીની

 

મૃત્‍યુ પામનાર રામપ્રસાદ ચોૈહાણનો ફાઇલ ફોટો અને તેમના શોકમય સ્‍વજનો જોઇ શકાય છે

રાજકોટ તા. ૨૯:  શહેરમાં આજી રિવરફ્રન્‍ટ અને આજી રી-ડેવલપમેન્‍ટ માટે જંગલેશ્વરમાં સરકારી જમીન પર દબાણરૂપ ૧૩૫૮ મિલકત ધારકોને કલમ ૨૦૨ હેઠળ નોટિસ આપી દેવાયા બાદ હવે ગમે ત્‍યારે ડિમોલીશન થાય તેમ છે. આ વચ્‍ચે અહિ દસ વર્ષથી એક મકાનમાં ભાડેથી રહેતાં મુળ યુપીના આધેડ જ્‍યાં રહે છે તે મકાનને ખાલી કરવાની નોટીસ આવી હોઇ મકાન માલિકે ઘર ખાલી કરવાનું કહેતાં ચિંતામાં તેમનું હૃદય બેસી જવાથી મોત થયું છે.

જંગલેશ્વરમાં ડિમોલીશનને કારણે હજારો પરિવારો બેઘર થવાની નોબત આવી છે. ચારસો  કરોડની સરકારી જમીન પર પચાસ વર્ષથી વધુ સમયથી રહેતા સ્‍થાનિક લોકો ડિમોલીશન અટકાવવા ઠેકઠેકાણે રજૂઆતો કરી રહ્યા છે. જાણવા મળ્‍યા મુજબ જંગલેશ્વરમાં કિંમતી સરકારી જમીન પર દબાણ પ્રકરણમાં જિલ્લા કલેક્‍ટરની સુચના મુજબ રાજકોટ શહેર પૂર્વ મામલતદાર એન.પી. અજમેરા અને તેની ટીમો દ્વારા ૧૩૫૮ જેટલા દબાણકર્તાઓને દબાણ હટાવવા માટેની કલમ ૨૦૨ હેઠળની આખરી નોટિસ ફટકારી હતી અને દબાણકર્તાઓને સ્‍વૈચ્‍છીક રીતે દબાણ હટાવવાની સાત દિવસની મુદત અપાઇ હતી.

 દરમિયાન જંગલેશ્વર-૧૦ ખોડયાર મંદિર પાસે મકાન ધરાવતાં ફરીદભાઇ કાસમભાઇ કોરડીયાનું મકાન પણ ખાલી કરવા નોટીસ મળી હોઇ ફરીદભાઇએ પોતાના આ મકાનમાં દસ વર્ષથી ભાડેથી રહેતાં મુળ યુપીના રામપ્રસાદ માયારામ ચોૈહાણ (ઉ.વ.૪૪)ને મકાન ખાલી કરી દેવાનું કહ્યું હતું.

ફરિદભાઇએ તેને કહ્યું હતું કે તમે બીજુ મકાન શોધો અને હું પણ શોધું. આ પછી બંનેએ જંગલેશ્વરમાં અન્‍ય મકાન શોધવા પ્રયાસ કર્યા હતાં. પણ ભાડા વધી ગયા હોઇ રામપ્રસાદને મકાન મળ્‍યું નહોતું. ગત રાતે તે ચિંતામાં સુઇ ગયા હતાં. સવારે છ વાગ્‍યે નળ આવતાં પત્‍નિ રાનીદેવી તેને જગાડવા ગયા ત્‍યારે તે ન જાગતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં પરિવારજનોમાં કલ્‍પાંત સર્જાયો હતો. પરિવારજનોએ કહ્યું હતું કે-અમે વર્ષોથી જે મકાનમાં ભાડેથી રહેતાં હતાં તે પાડી નાખવાની નોટીસ આવી હોઇ અમને મકાન ખાલી કરવાનું કહેવાયું હતું. પણ બીજુે મકાન તત્‍કાળ ન મળતાં રામપ્રસાદનું ચિંતાને કારણે હૃદય બેસી ગયું હતું.

હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં ભક્‍તિનગર પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર રામપ્રસાદ છ ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં ચાર દિકરા છે. પોતે કારખાનામાં મજૂરી કરી ગુજરાન ચલાવતાં હતાં. (૧૪.૭)

 

(3:09 PM IST)