News of Thursday, 29th January 2026
પુષ્કરધામ નજીક હિટ એન્ડ રનઃ નેપાળી મહિલાને પગે ગંભીર ઇજા
રાત્રીના પારકા ઘરના કામ કરી ઘરે જતાં હતાં તે વખતે કારનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયો

રાજકોટ તા. ૨૯: પુષ્કરધામ મેઇન રોડ પર રાત્રીના હીટ એન્ડ રનના બનાવમાં નેપાળી મહિલા લક્ષ્મીબેન ટેકબહાદુર પરીયાર-નેપાળી (ઉ.વ.૩૨, રહે. પુષ્કરધામ પાસે ત્રણ માળીયા ક્વાર્ટર)ને પગમાં ગંભીર ઇજા થતાં સારવાર માટે દાખલ થયા છે. લક્ષ્મીબેન પારકા ઘરના કામ કરતાં હોઇ કામ પુરુ કરીને સાડા દસેક વાગ્યે પગપાળા ઘરે જતાં હતાં ત્યારે એક ફોર્ચ્યુનર જેવી કારની ઠોકરે આવી જતાં ઇજા થઇ હતી. લોકો ભેગા થઇ જતાં કારચાલક નીકળી ગયો હતો. મહિલાને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
બનવાની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને કરી હતી.
ઘટનાને પગલે નેપાળી સમાજના કાર્યકર સંજયભાઇ કારકી સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતાં અને ઇજાગ્રસ્ત મહિલાના પરિવારજનોને મદદરૂપ થયા હતા. યુનિવર્સિટી પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ કરી છે. ગંભીર ઇજા પામનાર મહિલાને ત્રણ સંતાન છે. પતિ પગીપણું કરે છે.
(3:37 PM IST)










