News of Friday, 30th January 2026
નિવૃત આર્મીમેન નાગદાનભાઇ રાઠોડ સહિત ચારના હૃદય બંધ પડી જવાને કારણે મૃત્યુ
માનસરોવરના નાગદાનભાઇ ઘરે, અમરનગરના ભરતભાઇ મોરધરા કારખાને, નડીયાદના ઠાકોરભાઇ રાજકોટ ગોપાલ ડેરીમાં, જે. ડી. પાઠક પ્લોટના અનિલભાઇ ચાવડા ઘરે બેભાન થયા બાદ સિવિલ હોસ્પિટલમાં તમામે દમ તોડી દીધોઃ પરિવારજનોમાં શોક

રાજકોટ તા. ૩૦: હૃદય રોગના હુમલાથી મૃત્યુનો સિલસિલો યથાવત રહ્યો છે. જેમાં આજીડેમ પાસે રહેતાં નિવૃત આર્મીમેન, અમરનગરના એક યુવાન સહિત ચાર લોકોના મૃત્યુ થયા છે. માનસરોવરમાં રહેતાં નિવૃત આર્મી મેન ઘરે બેભાન થતાં અને મવડી અમરનગરના યુવાન ગોંડલ રોડ પર કારખાને કામ કરવા ગયા હતાં ત્યાં હાર્ટએટેક આવી જતાં તેમજ ં નડીયાદના પ્રોૈઢ રાજકોટ ડેરી ખાતે આવ્યા હોઇ ત્યાં ઢળી પડતાં અને જે. ડી. પાઠક પ્લોટના પ્રોૈઢ ઘરે બેભાન થઇ ગયા બાદ તમામને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયા હતાં.
આજીડેમ ચોકડી પાસે માનસરોવર પાર્ક-૩માં રહેતાં નાગદાનભાઇ નારણભાઇ રાઠોડ (ઉ.વ.૫૪) નામના નિવૃત આર્મીમેન રાતે ઘરે હતાં ત્યારે શ્વાસમાં એકાએક તકલીફ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. તે ત્રણ ભાઇ અને એક બહેનમાં નાના હતાં. સંતાનમાં ત્રણ દિકરી અને એક દિકરો છે. હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું. તેઓ મુળ ચોટીલાના સણોસરાના વતની હોઇ મૃતદેહને અંતિમ સંસ્કાર માટે વતન લઇ જવામાં આવ્યો હતો.
બીજા બનાવમાં મવડી અમરનગર-૨ શેરી નં. ૭માં રહેતાં ભરતભાઇ જેન્તીભાઇ મોરધરા (ઉ.વ.૪૦) ગોંડલ રોડ સ્કોડાના શો રૂમ નજીક ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતાં હતાં ત્યારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. તે બે ભાઇ અને એક બહેનમાં નાના તથા અપરિણીત હતાં. હાર્ટએટેક આવ્યાનું સગાએ કહ્યું હતું.
ત્રીજા બનાવમાં નડીયાદના આખડોળના વતની ઠાકોરભાઇ ભીખાભાઇ પરમાર (ઉ.વ.૫૬) ડ્રાઇવીંગ કરતાં હોઇ સોફટવેર એન્જીિનીયર સાથે રાજકોટ દૂઘ સાગર રોડ પર ગોપાલ ડેરી ખાતે આવ્યા હતાં. અહિ કેન્ટીનમાં છાતીમાં દુઃખાવો ઉપડતાં બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ મૃત્યુ થયું હતું. તેમને સંતાનમાં બે પુત્ર છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
ચોથા બનાવમાં ગોંડલ રોડ પીડીએમ પાછળ જે. ડી. પાઠક પ્લોટમાં રહેતાં અનીલભાઇ જયમલભાઇ ચાવડા (ઉ.વ.૫૩) સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. તે બે ભાઇ અને એક બહેનમાં નાના હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. પોતે રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં હતાં. હૃદય રોગનો હુમલો આવી ગયાનું જણાવાયું હતું.
લોઠડામાં બિહારના સુદેશ્વર બીન્દનું બેભાન હાલતમાં મોત
પાંચમા બનાવમાં રાજકોટ ભાવનગર હાઇવે પર આવેલા લોઠડા ગામે મીરા કાસ્ટીંગમાં કામ કરતાં અને નજીકની ઓરડીમાં રહેતાં મુળ બિહારના સુદેશ્વર રૂપલાલભાઇ બીન્દ (ઉ.વ.૪૯) રૂમ પર બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તે ચાર ભાઇ અને ચાર બહેનમાં વચેટ હતાં. સંતાનમાં ત્રણ દિકરી અને એક દિકરો છે. સગાના કહેવા મુજબ તેમને ડાયાબીટીસ સહિતની બિમારી હતી. આજીડેમ પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી જરૂરી કાર્યવાહી કરી હતી. તમામ બનાવોમાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસ, શાપર પોલીસ, માલવીયાનગર અને થોરાળા પોલીસને જાણ કરી હતી
(11:52 AM IST)










