<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

નાણાવટી ચોકના કૃપાબાને ફિયાન્‍સ હેમાંગના મિત્ર જય સહિત ચારે ૪ લાખની ઉઘરાણી માટે ધમકી દીધી

રૈયા રોડ સેલસ હોસ્‍પિટલના પાર્કિંગમાં બનાવઃ યુનિવર્સિટી પોલીસે ૪ સામે ગુનો નોંધ્‍યો કૃપાબાનો ફિયાન્‍સ હેમાંગ રાવલ સારવારમાં હોઇ પોતે માતા, સાસુ સહિતની સાથે હોસ્‍પિટલે હતાં ત્‍યારે હેમાંગનો મિત્ર જય ખાંડેખા સહિતના આવ્‍યા અને હેમાંગ ક્‍યારે રૂપિયા દેશે? કહી ધમાલ મચાવીઃ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૩૦: નાણાવટી ચોક પાસે રહેતી યુવતિ તેના ફીયાન્‍સને રૈયા રોડ પર સેલસ હોસ્‍પિટલમાં દાખલ કર્યો હોઇ પોતે માતા, સાસુ, સસરા સહિતની સાથે રાતે હોસ્‍પિટલ ખાતે હતી ત્‍યારે તેના ફિયાન્‍સના મિત્ર એવા મવડી ચોકડીએ રહેતાં શખ્‍સ સહિત ચાર જણાએ ત્‍યાં આવી હોસ્‍પિટલના પાર્કિંગમાં પૈસાની ઉઘરાણી મામલે માથાકુટ કરી આ યુવતિ અને તેના માતાને ગાળો દઇ ૪ લાખની ઉઘરાણી કરી મારી નાંખવાની ધમકી આપતાં ફરિયાદ થઇ છે. તારો ફિયાન્‍સ ક્‍યારે અમારા પૈસા આપશે? તેમ કહીને આ ચારેયએ બઘડાટી બોલાવી હતી.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે નાણાવટી ચોક પાસે ઉમા ખોડલ ચોક પવન બંગલો સોસાયટીમાં રહેતાં કૃપાબા ગંભીરદાન ગઢવી (ઉ.વ.૨૭)ની ફરિયાદ પરથી મવડી ચોકડી ક્રિષ્‍ના પાર્ક સોસાયટીમાં રહેતાં જય ખાંડેખા, સંજય ખાંડેખા, વિનય ખાંડેખા અને મેહુલ ખાંડેખા વિરૂધ્‍ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કૃપાબાએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું મારા પિતા ગંભીરદાન, માતા જામબા ગઢવી, ભાઈ કરણભાઈ તથા ભાભી વૈશાખીબેન એમ સાથે રહુ છું અને મારી સગાઇ હેમાંગ અશોકભાઈ રાવલ સાથે થઇ છે. રાત્રીના અંગીયારેક વાગ્‍યાના આરસામા સેલસ હોસ્‍પિટલ રૈયા રોડ ખાતે મારા ફીયાન્‍સ હેમાંગ રાવલ દાખલ હોવાથી હું તથા મારા માતા જામબા તથા મારા સાસુ રેખાબેન તથા સસરા અશોકભાઈ રાવલ એમ બધા હાજર હતા ત્‍યારે મારા ફીયાન્‍સ હેમાંગના મીત્ર જય ખાંડેખા, તેના ભાઈ મેહુલભાઈ ખાંડેખા તથા સંજયભાઈ ખાંડેખા તથા વિનયભાઈ ખાંડેખા એમ  ચારેય  સેલસ હોસ્‍પિટલ ખાતે પાર્કીંગમાં આવ્‍યા હતાં. આ પછી જય ખાંડેખા મારી પાસે આવેલો અને મને કહેવા લાગેલો કે હેમાંગ પાસેથી મારે જે રૂ.૪,૦૦,૦૦૦ લેવાના છે તે કયારે આપશે? જેથી મે તેને કહેલું કે હાલ તે હોસ્‍પિટલમાં દાખલ હોઇ સારૂ થઈ જશે ત્‍યારે આપી દેશે. આ સાંભળી જય મારી સાથે જેમ ફાવે તેમ બોલાચાલી કરી ગાળો દેવા માંડયો હતો. સાથેના સંજય, વિનય અને મેહુલે પણ મારી સાથે તથા મારા માતા જામબા સાથે મનફાવે તેમ બોલાચાલી કરી ગાળો દીધી હતી. દેકારો થતાં લોકો ભેગા થઇ જતાં મેહુલ અને સંજય સહિતના ત્‍યાંથી રવાના થયા હતાં. જતાં જતાં આ બંનેએ કહેલું કે-અમારા રૂપિયા પરત આપી દેજે નહીતર તને જાનથી મારી નાંખશું. ધમકી આપી આ લોકો જતા રહ્યા બાદ અમે પોલીસ ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યુ હતું. તેમ વધુમાં કૃપાબાએ કહેતાં પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં એએસઆઇ એમ. એલ. ઝાલાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(2:27 PM IST)