News of Friday, 30th January 2026
ચકલીના માળામાં છુપાવેલી ચાવી ચોરે શોધી લઇ ૧.૯૩ લાખની માલમત્તા ઉસેડી લીધી!
પુષ્કરધામ રોડ પર ક્વાર્ટરમાં થયેલી ચોરીમાં જાણભેદુની શંકાએ તપાસ બેંક કર્મચારી પદ્દમાબેન ગોસ્વામીની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૩૦: શહેરના પુષ્કરધામ રોડ પર આવેલા ક્વાર્ટરમાં રહેતાં બેંક કર્મચારી યુવતિના મકાનની ચાવી તેણીએ ઘરની લોબીમાં આવેલા ચકલીના માળામાં રાખી હોઇ ત્યાંથી શોધીને ચોર ઘરમાં ઘુસી રોકડા-દાગીના મળી રૂા. ૧,૯૩,૦૦૦ની માલમત્તા ચોરી ગયા છે. આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે પુષ્કરધામ મેઇન રોડ પર કેવલમ્ આવાસ યોજના બ્લોક નં. ૧ ક્વાર્ટર નં. ૧૨૩૪ ખાતે રહેતાં અને બાપા સિતારામ ચોકમાં આવેલી એચડીએફસી બેંકમાં નોકરી કરતાં પદ્દમાબેન બકુલગીરી ગોસ્વામી (ઉ.વ.૨૭)ની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પદ્દમાબેને જણાવ્યું છે કે હું મારા મમ્મી ચેતનાબેન, નાનો ભાઇ અભિષેક સાથે રહુ છું. મારા પિતા હયાત નથી. ગત ૨૪/૧૦/૨૦૨૫ના રોજ હું તથા મારા મમ્મી સાંજના આશરે સાડા આઠેક વાગ્યે સાધુ વાસવાણી રોડ ઉપર આવેલ જનકપુરી આવાસ યોજના સોસાયટી ખાતે રહેતાં મારા મોટાબાપુ રમેશગીરીના ઘરે ગયેલ હતા. મારો ભાઈ અભિષેક તે દિવસે સવારે રાજસ્થાન ઉદયપુર ગયેલ હતો. અમે મકાનને તાળુ મારી તેની ચાવી લોબીમાં રાખેલા ચકલીના માળામાં રાખી દીધી હતી. રાખેલ હતી અને બીજા દિવસે તારીખ ૨૫/૧૦/ના બપોર પછી આશરે સાડાત્રણેક વાગ્યે મારા ઘરે આવેલ અને તે વખતે જોયેલ તો ચકલીના માળામાં રાખેલ ચાવી ગાયબ હતી. મેં આજુબાજુમા મારી ચાવી બાબતે પુછતા ચાવી મળી નહોતી.ે બાદ બીજી ચાવીથી તાળુ ખોલી અંદર જતાં બેડરૂમમાં કબાટ ખુલ્લો હતો અને કબાટની તીજોરી તુટેલ હતી.
મે તીજોરીમાં જોયેલ તો સોનાના દાગીનાના ચારેક જેટલા પર્સ જોવામા આવેલ નહિં અને રોકડ રકમ પણ જોવામાં આવેલ નહિં આમ અમારા ઘરમાંથી સોનાની દાગીનાની તથા રોકડ રકમની ચોરી થયેલાનુ જણાતા મે આ વાત ઘરકામ કરવા ગયેલા મારા મમ્મી ચેતનાબેનને કરી હતી. એ પછી તેઓ ઘરે આવ્યા હતાં. તસ્કરો સોનાની ગીની નંગ-૫, સોનાનુ બ્રેસલેટ નંગ-૦૧, સોનાનો પેન્ડલ સેટ -૦૧, સોનાનો ચેઇન -૦૧,સોનાની વિટી નંગ-૦૨, સોનાની બુટી જોડી-૦૩, જે તમામ દાગીનાની આશરે કિ.રૂ.૧,૮૧,૦૦૦ તથા રોકડા રૂપીયા ૧૨,૦૦૦ની ચોરી કરી ગયા હતાં. જે તે વખતે ભાઇ રાજસ્થાન હોઇ તે આવે પછી ફરિયાદ કરવાનું નક્કી કર્યુ હતું. આ પછી મેં મારા મંગેતરને વાત કરી હતી અને અમે બંનેએ પોલીસ સ્ટેશને પહોંચી ફરિયાદ નોંધાવી હતી. તેમ વધુમાં પદ્દમાબેને કહેતાં પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં પીએસઆઇ વી. જી. ડોડીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:35 PM IST)










