લગ્ન પ્રસંગમાં મજાક મામલે મહાત્મા ગાંધી પ્લોટના જયસુખભાઇ ઉપર છરીથી હુમલો
કાકાના દિકરાના લગ્નમાં નાના ભાઇની મજાક કરનાર ભુરાને ઠપકો દેતાં ડખ્ખો બી-ડિવીઝન પોલીસે ભુરો, શામજીભાઇ, તેના પુત્ર આકુલ વિરૂધ્ધ ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૩૦: પારેવડી ચોક નજીક રહેતાં યુવાનના કાકાના દિકરાના લગ્ન પ્રસંગમાં તેના નાના ભાઇની મજાક મસ્તી થઇ હોઇ રાતે આ યુવાન અને મિત્ર જાન પરત આવી ગયા બાદ કાકાના દિકરાના ઘરેથી મિત્ર સાથે રોડ પર આટો મારવા નીકળતાં તેના ભાઇની મજાક કરનાર શખ્સ ત્યાં મળી જતાં તેને આ બાબતે સમજાવતાં તેના સહિત ત્રણ જણાએ ગાળો દઇ છરીથી ઇજા કરી ઢીકાપાટુ મારતાં સારવાર લેવી પડી હતી.
આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે પારેવડી ચોક મહાત્મા ગાંધી પ્લોટ-૬માં રહેતાં અને કુવાડવા રોડ પર પરજીયા હોન્ડાના શો રૂમમાં સર્વિસ એડવાઇઝર તરીકે નોકરી કરતાં જયસુખભાઇ હરિભાઇ કટારીયા (ઉ.વ.૩૨)ની ફરિયાદ પરથી જુના મોરબી રોડ પર પર સોહમનગર-૧માં રહેતાં ભુરો મુછડીયા, શામજી મુછડીયા અને આકુલ શામજીભાઇ મુછડીયા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
જયસુખભાઇએ જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું. ૨૯/૧ના ગુરૂવારના રોજ મારા સગા કાકા નારણભાઈ કટારીયાના દિકરા વિપુલભાઇના લગ્ન હોઇ હું સવારના આશરે નવેક વાગ્યે માલીયાસણ ખાતે જાનમાં ગયેલ હતો અને બાદ સાંજના છએક વાગ્યે જાન પરણીને તેના ઘરે જુના મોરબી રોડ સોહમનગર સોસાયટી શેરી નંબર-૩ ખાતે આવી હતી. વિધી પુરી થયા બાદ બધા જમવા ગયેલ અને જમ્યા બાદ મોડી રાત્રે સાડા બારેક વાગ્યે અમો બહાર આટો મારવા નીકળ્યા હતાં. મારી સાથે મિત્ર રાહુલભાઇ કાનજીભાઈ પરમાર (ઉ.વ.૩૩, રહે. મહાત્મા ગાંધી પ્લોટ શેરી નં.-૦૭) પણ હતો.
અમે બંને ત્યાં સોહમનગર મેઇન રોડ-૧ના ખુણે પહોંચ્યા આ વિસ્તારમાં રહેતાં શેરી નં.-૦૧ નાં ખુણે પહોંચતા ત્યાં ભુરો મુછડીયા ઉભો હતો. તેણે લગ્નપ્રસંગમાં મારા નાના ભાઇ શૈલેન્દ્રની કોઇ કારણે મજાક મસ્તી કરી હોઇ જેથી મેં તે સામો મળતાં તેને આ બાબતે ઠપકો આપતાં તેને ગમ્યું નહોતું. આ વખતે તેના સગા શામજીભાઈ મુછડીયા અને શામજીભાઇનો દિકરો આકુલ પણ ત્યાં આવી ગયેલ. આ બાબતે વાતચીત કરતા હતા તે દરમ્યાન આ ભુરો મને ગાળો દેવા માંડતા મેં ના પાડતાં તે નજીકમાં તેનું ઘર હોઇ ત્યાંથી છરી લાવ્યો હતો અને મમને છરી બતાવી વધુ ગાળો દીધી હતી. આ વખતે શામજીભાઇએ મને પકડી લીધો હતો અને ભુરાએ છરીથી મારા હાથમાં ઘા મારતાં મેં જમણો હાથ આડો દેતાં ઇજા થઇ હતી.
આ ઘાથી મને બાવડા ઉપર છરકો પડી ગયેલ અને લોહી નીકળવા લાગ્યા હતાં. આ વખતે આકુલે મારો મિત્ર રાહુલભાઇ વચ્ચે પડી અમને છોડાવતો હોઇ તેને ભુંડી ગાળો આપી હતી. પછી ત્રણેયએ મળીને અમને ઢીકાપાટુ માર્યા હતાં. દેકારો થતાં માણસો ભેગા થઇ જતાં અને મારા કાકાના દિકરા ભાઇ, નાનો ભાઇ સહિતના આવી જતાં ભુરો સહિતના ત્રણેય ભાગી ગયા હતાં. મને ઇજા પહોંચી હોઇ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર લીધા બાદ ફરિયાદ કરી હતી. તેમ વધુમાં જયસુખભાઇએ કહેતાં પીઆઇ એસ. એસ. રાણેની રાહબરીમાં એએસઆઇ કે. વી. ગોહિલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે










