News of Sunday, 1st February 2026
રાજકોટના મોરબી રોડ પર ચામડીયા પરામાં અણમોલ હાઉસ નામના ડેલામાં ધમધમતું કતલખાનુ ઝડપાયું
નાની મોટી ૨૮ ભેસના જીવ બચ્યા: જીવદયા પ્રેમીઓનો બી ડિવિઝન પોલીસને સાથે રાખી દરોડો: પશુના શીંગડા, ચામડાનો જથ્થો મળ્યો

રાજકોટ: શહેરના જૂના મોરબી રોડ પર સિટી સ્ટેશનની સામે ચામડીયાપરામાં અનમોલ હાઉસ નામના ડેલામાંથી કતલખાનુ ઝાડપાતા ચકચાર જાગી છે. કતલખાના ઉપર જીવદયાપ્રેમીઓએ બી-ડિવીઝન પોલીસને સાથે દરોડો પાડી ૨૮ ભેંસોને બચાવી હતી. અહિંથી પશુઓના ચામડાનો જથ્થો, શીંગડા વગેરે પણ મળતા કતલખાનુ ચલાવતાં ગફાર મુસાભાઈ બાવનકા (ઉ.વ.૫૮) સામે પ્રાણી ક્રુરતા નિવારણ અધિનિયમ ૧૯૮૦ની કલમો અને ધ ગુજરાત ગુજરાત પ્રોવિન્શીયલ મ્યુનિસીપલ કોર્પોરેશન એકટ હેઠળ ગુનો નોંધાયો છે.
જાણવા મળ્યા મુજબ આજી ડેમ ચોકડી પાસે રામપાર્ક સોસાયટી શેરી નં.રમાં રહેતા જયેન્દ્રભાઈ ચંદવાણીયા (ઉ.વ.૩૧) જીવદયાનું કામ કરે છે. મોડી રાત્રે તેને માહિતી મળી હતી કે અનમોલ હાઉસ નામના ડેલામાં ગફાર ગેરકાયદે કતલખાનું ચલાવે છે. જેથી મધરાત્રે બે વાગ્યે બી-ડિવીઝન પોલીસનો સંપર્ક કરી તેના સ્ટાફને સાથે રાખી દરોડો પાડતા નાની-મોટી ભેંસો મળી આવી હતી. જેમની માટે ઘાસચારા કે પાણીની કોઈ વ્યવસ્થા નહીં કરી ક્રૂર રીતે રાખવામાં આવી હતી. એક વખારમાંથી વજનકાંટો, લાકડાના ત્રણ ટુકડા, પશુઓના શીંગડાનો ઢગલો, ચામડાનો ઢગલો, નાના-મોટા છરા મળી આવ્યા હતા. પોલીસની પૂછપરછ દરમિયાન ગફારે પોતે કતલખાનુ ચલાવતો હોવાનું કબુલતા આ અંગે તપાસ હાથ ધરી છે. દરોડા દરમિયાન જે ૨૮ ભેંસો મળી આવી હતી તેને પાંજરાપોળમાં મોકલી આપવામાં આવી હતી. પોલીસે વધુ તપાસ યથાવત રાખી છે.
(9:56 AM IST)










