<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

ટ્રકે બાઇકને ઉલાળતાં કારખાનેદાર યુવાનની નજર સામે જ પિતા મગનભાઇ વાળાનું કમકમાટી ભર્યુ મોત

મુળ બગસરા મુંજીયાસરના વતની વૃધ્‍ધ નિવૃત જીવન જીવતા હતાં : જીજ્ઞેશભાઇ વાળા બાઇકમાં પિતાને બેસાડી કારખાનેથી કોઠારીયા ઘરે જતો હતો ત્‍યારે માલધારી ફાટક પાસે બનાવઃ આજીડમ પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૨: ગોંડલ રોડ માલધારી ફાટક નજીક જીવલેણ અકસ્‍માત સર્જાયો હતો. ટ્રકે ટુવ્‍હીલરને ઉલાળતાં તેના ચાલક કોઠારીયાના કારખાનેદાર યુવાન અને પાછળ બેઠેલા તેમના વૃધ્‍ધ પિતા ફેંકાઇ ગયા હતાં. જેમાં યુાવનનો બચાવ થયો હતો જ્‍યારે તેમના પિતા ઉપર ટ્રકનું આગળનું વ્‍હીલ ફરી વળતાં કમકમાટી ભર્યુ મોત થયું હતું. આ બનાવમાં આજીડેમ પોલીસે કોઠારીયા સાઇબાબા સર્કલ પાસે સર્વેશ્વર સોસાયટી-૧માં ધર્મેશભાઇ આહિરના મકાનમાં રહેતાં મુળ બગસરાના મુંજીયાસર ગામના જીજ્ઞેશભાઇ મગનભાઇ વાળા (ઉ.વ.૪૨)ની ફરિયાદ પરથી ટ્રક નં. જીજે૧૨બીડબલ્‍યુ-૮૧૧૬ના ચાલક વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

જીજ્ઞેશભાઇએ જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને ગોંડલ હાઇવે પર તુલી પાર્ટી પ્‍લોટ નજીક શુભ લેઝર નામે કારખાનુ ચલાવુ છું. રવિવારે સવારે હું મારા પિતા મગનજભાઇ રામજીભાઇ વાળા (ઉ.વ.૭૧)ને મારા બાઇક જીજે૦૩એલડી-૮૭૪૬માં બેસાડીને મારા કારખાને ગયો હતો. ત્‍યાંથી અમે બંને પરત ઘરે જવા નીકળ્‍યા ત્‍યારે ગોંડલ રાજકોટ હાઇવે પર માલધારી ફાટકની સામે પૂલ નીચેથી રોડ ક્રોસ કરીને માલધારી ફાટક તરફ જતાં હતાં તે વખતે અચાનક જ ટ્રકના ચાલકે બાઇકને ઉલાળી દીધુ હતું. ટ્રકનીડાબી બાજુનો ભાગ મારા બાઇકને અડી ગયો હતો.

જેથી હું અને મારા પિતાજી બાઇક સહિત રોડ પર ફેંકાઇ ગયા હતાં. જેમાં મને ઇજા થઇ નહોતી, પરંતુ મારા પિતાજી ઉપર ટ્રકનું આગળનું વ્‍હીલ ફરી વળતાં તેમને કમર, શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી. મેં ઉભા થઇ મારા પિતાજીને ઉભા કરવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તેઓ ઉભા થયા નહોતાં. આ દરમિયાન અકસ્‍માત સર્જનાર ચાલકે ટ્રક આગળ ઉભો રાખ્‍યો હતો. કોઇએ ૧૦૮ બોલાવતાં ગાડી હતી. તેમાં મારા પિતાને સિવિલ હોસ્‍પિટલે લઇ ગયા હતાં. પરંતુ ડોક્‍ટરે તેમને મૃત જાહેર કર્યા હતાં. તેમ વધુમાં જીજ્ઞેશભાઇએ કહેતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસ સ્‍ટેશનના હેડકોન્‍સ. એચ. એમ. ધરજીયાએ હોસ્‍પિટલે પહોંચી કાર્યવાહી કરી હતી.

મૃત્‍યુ પામનાર મગનભાઇ વાળા નિવૃત જીવન જીવતાં હતાં. તેમને સંતાનમાં બે દિકરા અને બે દિકરી છે. મોભીના મૃત્‍યુથી વાળા-લુહાર પરિવારમાં શોક છવાઇ ગયો હતો. 

(1:47 PM IST)