News of Tuesday, 3rd February 2026
ગોંડલમાં થયેલી લાખોની ચોરી રાજકોટના રીઢા તસ્કર ભાદાએ કરી'તીઃ સાગ્રીત સન્ની ૩.૫૭ લાખના દાગીના સાથે ઝડપાયો
યુપીના આકાશ ઉર્ફ ભભૂતીનું પણ નામ ખુલ્યું: ક્રાઇમ બ્રાંચના પીઆઇ ગોંડલીયા, પીઆઇ ડામોર, પીઆઇ જાદવની રાહબરીમાં પીએસઆઇ ડી. પી. ઝાલા અને ટીમની કામગીરીઃ દિપકભાઇ, મનિષભાઇ, ધર્મરાજસિંહની બાતમી ભાદા દુલાની ચોરી, લૂંટ, દારૂ સહિત ૧૩ ગુનામાં સંડોવણી

રાજકોટ તા. ૩: રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચે ગોંડલ સીટીના બી-ડિવીઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં થયેલી લાખોની ચોરીનો ભેદ ઉકેલી એકરીઢા તસ્કરને પકડી લીધો છે. તેની પાસેથી ૩.૫૭ લાખના સોના-ચાંદીના દાગીના કબ્જે કરાયા છે. આ તસ્કરના અન્ય બે સાગ્રીતના નામ ખુલ્યા હોઇ શોધખોળ થઇ રહી છે.
શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મિલકત વિરોધી ગુનાઓ અને ઘરફોડ ચોરીની ઘટનાઓને અટકાવવા માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તેમની સુચના અન્વયે અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા અને ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા તથા એસીપી ક્રાઇમ ભરત બસીયા દ્વારા વણશોધાયેલા ગુનાઓ ઉકેલવા અપાયેલા આદેશોના પગલે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી ગોંડલની ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે.
ક્રાઈમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ દીપકભાઈ ડાંગર, મનીષભાઈ ચાવડા અને ધર્મરાજસિંહ રાણાને ચોક્કસ બાતમી મળી હતી કે, ગોંડલમાં થયેલી ચોરીનો મુદ્દામાલ એક શખ્સ રાજકોટમાં વેચવાની પેરવીમાં છે. આ બાતમીના આધારે વોચ ગોઠવીને સન્ની ઉર્ફે કાલી ચંદુભાઈ ચુડાસમા (ઉ.વ. ૧૯, રહે. મેંદરડા રોડ, જૂનાગઢ)ને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પાસેથી મળેલા દાગીનાના બિલ કે આધાર પુરાવા ન મળતા પોલીસે કડક પૂછપરછ હાથ ધરી હતી, જેમાં તેણે ગોંડલ સિટી બી-ડિવિઝન હેઠળના વિસ્તારમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
પોલીસે આરોપી સન્ની ઉર્ફ કાલી પાસેથી કુલ ૩,૫૭,૦૦૦ ની કિંમતનો મુદ્દામાલ રિકવર કર્યો છે. જેમાં ૨૨ કેરેટના સોનાના દાગીનામાં ૨૭.૭૪૦ ગ્રામનું પેન્ડલ સેટ કિંમત રૂા. ૧,૨૭,૦૦૦, ૩૧.૬૫૦ ગ્રામ વજનના સોનાના બે પાટલા કિંમત રૂા. ૧,૮૦,૦૦૦), અને ૧૦.૯૩૦ ગ્રામનો સોનાનો ચેઈન કિંમત રૂા. ૫૦,૦૦૦)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત ચાંદીની લક્કીઓ પણ કબ્જે કરવામાં આવી છે. આ તમામ મુદ્દામાલ ગોંડલ ખાતેથી ચોરવામાં આવ્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે.
આ ગુનામાં પકડાયેલ આરોપી સન્નીની પૂછપરછમાં અન્ય બે સાગરિતોના નામ પણ ખુલ્યા છે. જેમાં રાજકોટના ઢેબરભાઇ કોલોની નજીકના મફતીયાપરામાં રહેતો ભાદાભાઈ દુલાભાઈ સોલંકી અને ઉત્તર પ્રદેશનો રહેવાસી આકાશ ઉર્ફે ભભૂતી બિકાઉભાઈ ચૌહાણ સામેલ છે. ઝડપાયેલા સન્ની વિરૂધ્ધ અગાઉ રાજકોટ ભક્તિનગર પોલીસ અને જુનાગઢમાં ચોરીના ચાર ગુના નોંધાઇ ચુક્યા છે. જ્યારે ભાદા સોલંકી એક રીઢો ગુનેગાર છે. જેના વિરૂધ્ધ રાજકોટના ભક્તિનગર, માલવીયાનગર અને એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લૂંટ, ચોરી અને દારૂના ૧૩ જેટલા ગુનાઓ નોંધાયેલા છે. આ ટોળકી રાત્રિના સમયે બંધ મકાનોને નિશાન બનાવી ચોરીને અંજામ આપતી હતી. આ કામગીરી ક્રાઇમ બ્રાંચના પીઆઇ એમ.આર. ગોંડલીયા, એમ.એલ. ડામોર, સી.એચ. જાદવ અને પીએસઆઇ ડી.પી. ઝાલા, એએસઆઇ સમીરભાઈ શેખ , હેડકોનસ. દિપકભાઇ ડાંગર, કોન્સ. જીલુભાઈ ગરચર, ધર્મરાજસિંહ રાણા, મનિષભાઇ ચાવડા, અશ્વિનભાઈ પંપાણીયાએ કરી છે.
(3:56 PM IST)










