News of Tuesday, 3rd February 2026
મનપાના બજેટમાં ડ્રેનેજ, બ્રિજ અને કોમ્યુનિટી હોલ સહિતના કામો માટે ધારાસભ્ય ઉદય કાનગડના સૂચનો
રાજકોટ વિધાનસભા-૬૮ના વિકાસનો રોડમેપ

રાજકોટઃ રાજકોટ મહાનગર પાલિકાના આગામી ૨૦૨૬-૨૭ના બજેટમાં વિધાનસભા-૬૮ના સર્વાંગી વિકાસ માટે ધારાસભ્ય શ્રી ઉદય કાનગડ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને મહત્વના સૂચનો રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ગત ૨૦૨૫-૨૬ના બજેટના મંજૂર થયેલા પણ અધૂરા કામોને ફરી સમાવવા અને નવા કામોને પ્રાધાન્ય આપવા ભાર મુકાયો છે.
ધારાસભ્યશ્રીએ રજૂ કરેલા નવા સૂચનોમાં વોર્ડ-૩માં પોપટપરા નાલા પાસે વોટર વે લાઈન, રેલનગર આસ્થા ચોક પાસે કોમ્યુનિટી હોલ અને રેલનગરમાં લાઈબ્રેરીનો સમાવેશ થાય છે. વોર્ડ-૪માં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ઓફિસ, ટી.પી. ૩૧ ભગવતીપરામાં કોમ્યુનિટી હોલ, બેડી ચોકડી-મોરબી રોડ પર બ્રિજ, ખોડલધામ અને શેફોન વિલા વચ્ચે બ્રિજ, કુવાડવા રોડથી જૂના મોરબી રોડ વોકળા ફરતે આર.સી.સી. વોલ, તિરૂપતિ પાર્કથી અમરનાથ સ્મશાન રોડ અને ભગવતીપરા મેઈન રોડ પર ડિવાઈડર, તેમજ રાજ રેસીડેન્સીથી સ્મશાન સુધી પેવિગ બ્લોક અને પાણી માટે ઈએસઆર - જીએસઆર બનાવવા ભલામણ કરાઈ છે.
વોર્ડ-૪માં પારેવડી ચોકથી કુવાડવા રોડ ઉતર સાઈડના લાતી પ્લોટ, રોહીદાસપરા, ચામડીયા પરા, ચામુંડા સોસાયટી, ગાંધી વસાહત, શ્રીરામ પાર્ક, બાલાજી પાર્ક, ગુરૂદેવ પાર્ક, પટેલ પાર્ક, શિવરંજની અને રાજનગર વિસ્તારમાં નવી ડ્રેનેજ/અપગ્રેડેશન સૂચવાયું છે. આ ઉપરાંત ખોડલધામ સોસાયટી, ટી.પી. ૧૪, જય જવાન જય કિસાન રોડથી જમુના પાર્ક-૨, એલ.જી. પાર્ક, માધવ પાર્ક, મહાદેવ રેસીડેન્સી, રામેશ્વર પાર્ક અને ક્રિષ્ના પાર્ક બી માં પેવર કામ તેમજ બજરંગ-સીતારામ ફાટક અને વેલનાથપરા બ્રિજ નીચે ૮૦ ફૂટ રોડ પર ડિઝાઈન રોડ બનાવવા રજૂઆત થઈ છે.
વોર્ડ-૬ના માંડા ડુંગર વિસ્તારમાં કોમ્યુનિટી હોલ, વોર્ડ-૧૫માં ગંજીવાડા-રાજકોટ સિમેન્ટ પાસે બોક્સ ગટર તોડી મોટી પાઈપલાઈન, વોર્ડ-૧૬માં ખોખડદડ/આજી નદીમાં ડ્રેનેજ લાઈન અને માધવ હોલથી સંસ્કાર ઈન્ડસ્ટ્રીઝને જોડતો પુલ તથા વોર્ડ-૧૮માં ફાયર સ્ટેશન અને કોઠારિયા રોડ રણુજા મંદિર પાસે બોક્સ કલ્વર્ટ બનાવવા જણાવાયું છે.ગત બજેટના પેન્ડિંગ કામો જેવા કે વોર્ડ-૫માં જૂના પેડક રોડનું રિ-કાર્પેટિગ, વોર્ડ-૧૫માં શાળા નં.૯૯નું બિલ્ડીંગ અને ફાયર સ્ટેશન, વોર્ડ-૪માં જય જવાન જય કિસાન પાછળ સ્મશાન, ગ્રીનલેન્ડ ચોકડી બ્યુટીફિકેશન, ભાવનગર રોડ એન્ટ્રી ગેટ અને રાજલક્ષ્મી રોડ પર બ્રિજ, વોર્ડ-૧૬માં સ્મશાનથી હાઈવે સુધીનો ટી.પી. રોડ, દેવપરાથી જીઆઈડીસી જોડતો આજી નદી પર બ્રિજ અને કેસરીનંદન પાસે કોઝ-વેનું નવીનીકરણ જેવા કામોને ફરી બજેટમાં લેવા ખાસ ભલામણ કરાઈ છે.
શ્રી ઉદય કાનગડે અંતમાં જણાવ્યું હતું કે, બજેટમાં આ જોગવાઈઓ થવાથી નાગરિકોની સુખાકારીમાં વધારો થશે અને વિધાનસભા-૬૮નો સમાન અને સમતુલિત વિકાસ થશે.
(3:47 PM IST)










