News of Wednesday, 4th February 2026
૩૭ વર્ષના કમલેશભાઇ જેઠાણી પાણી પીવા ઉભા થયા અને હૃદય ધબકારા ચુકી ગયું
રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે હરિનગર તુલસી એપાર્ટમેન્ટમાં બનાવઃ માતા-ભાઇ સાથે રહી ગુજરી બજારમાં વેપાર કરતાં હતાં: યુવાન દિકરાના મૃત્યુથી પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૪: હૃદય ધબકારા ચુકી જવાથી વધુ એક યુવાનની જિંદગીની સફર ખતમ થઇ ગઇ છે. રૈયા ટેલિફોન એક્ષચેન્જવાળી શેરીમાં હરિનગરના ખુણે તુલસી એપાર્ટમેન્ટમાં રહેતાં કમલેશભાઇ રમેશભાઇ જેઠાણી (ઉ.વ.૩૭) નામના યુવાનનું હૃદય બેસી જવાથી મૃત્યુ થયું છે.
જાણવા મળ્યા મુજબ કમલેશભાઇ જેઠાણી સાંજે છએક વાગ્યે ઘરે હતાં ત્યારે પાણી પીવા માટે ઉભા થયા એ સાથે જ એકાએક બેભાન થઇ ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં યુનિવર્સિટી પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર કમલેશભાઇ બે ભાઇથી નાના અને અપરિણીત હતાં. તે માતા અને ભાઇ સાથે રહેતાં હતાં અને ગુજરી બજારમાં વેપાર કરતાં હતાં. યુવાન દિકરાના મૃત્યુથી પરિવારમાં શોક છવાઇ ગયો છે.
નવાગામના રાજાભાઇનું બેભાન હાલતમાં મૃત્યુ
નવાગામ રંગીલા સોસાયટીમાં રહેતાં રાજાભાઇ ભાણાભાઇ મકવાણા (ઉ.વ.૮૪) ગઇકાલે સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. તેમને સંતાનમાં ત્રણ દિકાર છે. શ્વાસની બિમારી હોવાનું સગાએ કહ્યું હતું. હોસ્પિટલ ચોકી મારફત જાણ થતાં કુવાડવા રોડ પોલીસે કાર્યવાહી કરી હતી.
(3:28 PM IST)










