<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

જિલ્લા પંચાયતમાં બજેટના ઢોલ વાગ્‍યાઃ ૧૭મીએ કારોબારી : ૨૭મીએ સામાન્‍ય સભા

કાર્યકાળની અંતિમ બોર્ડ બેઠકને યાદગાર બનાવવા શાસકોની ઇચ્‍છાઃ ચૂંટણી નજીક હોવાથી બજેટમાં આકર્ષક યોજનાઓ ઉમેરવાના પ્રયાસો

રાજકોટ તા.૫: જિલ્લા પંચાયતના ચૂંટાયેલા વર્તમાન પદાધિકારીઓની મુદત ૧૬ માર્ચે પૂરી થઈ રહી છે. તે પૂર્વે ચાલુ મહિનામાં છે બજેટ માટે કારોબારી સમિતિની બેઠક અને ખાસ સામાન્‍ય સભા મળનાર છે .ખાસ કારોબારી તારીખ ૨૦મીએ યોજવા અગાઉ વિચારણા થયેલ પરંતુ તેમાં ફેરફાર થયો છે. હવે કારોબારી તારીખ ૧૭ ફેબ્રુઆરી મંગળવારે મળશે. તેનો એજન્‍ડા એક બે દિવસમાં છે પ્રસિદ્ધ થઇ જશે. ત્‍યાર પછી દસ દિવસે તારીખ ૨૭મીએ શુક્રવારે ખાસ સામાન્‍ય સભા બોલાવવામાં આવશે. કારોબારી અને સામાન્‍ય સભાએ મંજૂર કરેલ બજેટને વિકાસ કમિશનર તરફ મોકલવામાં આવશે. તા.૩૧ માર્ચ સુધીમાં સરકારકક્ષાએ બજેટ મંજુર કરાવી લેવાનું ફરજિયાત છે.

જિલ્લા પંચાયતની ચૂંટણી કયારે થાય તે હજુ નક્કી નથી. શાસકોએ ફેબ્રુઆરીમાં જ નવા નાણાકીય વર્ષનું પૂર્ણ બજેટ આપી દેવાનું નક્કી કર્યું છે. જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર બજેટની તૈયારી કરી રહ્યું છે. પદાધિકારીઓ અંતિમ બજેટમાં લોકોના મોટા સમૂહને લાગુ પડે તેવી યોજના ઉમેરવા માંગે છે. તેના માટે હાલ એકથી વધુ વિકલ્‍પો પર વિચારણા થઈ રહી છે. સામાન્‍ય સભા પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન રંગાણીની અધ્‍યક્ષતામાં અને કારોબારી સમિતિ સમિતિના અધ્‍યક્ષ પી.જી. કયાડાની અધ્‍યક્ષતામાં મળશે. છેલ્લી સામાન્‍ય સભા હોવાથી જરૂર પડે તો પંચાયત કચેરી બહાર  વિસ્‍તળત ફલક પર યોજવાની વિચારણા થઈ રહી છે. અનામતના રોટેશનમાં ફેરફાર સહિતના એકથી વધુ કારણોસર ચૂંટણી પછી ચૂંટાનારા નવા સભ્‍યોમાં અડધાથી વધુ નવા ચહેરા દેખાશે.

નવી ચૂંટાયેલી પાંખ એપ્રિલ કે મે મહિનામાં શાસન સંભાળે તેવા હાલના સંજોગો છે. વચગાળામાં  વહીવટદાર  શાસન રહે તેવી જોગવાઇ છે. નવા પદાધિકારીઓ ઇચ્‍છે તો બજેટની જોગવાઇઓમાં સામાન્‍ય સભાના માધ્‍યમથી ફેરફાર કરી શકે છે.

(2:26 PM IST)