<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

સી.પી.જવેલર્સને દાગીનાની ખરીદી પેટે ચેક રીટર્ન કેસમાં આરોપીને નિર્દોષ ઠરાવતી કોર્ટ

બચાવપક્ષના વકીલ ડો.દોમડીયાની સફળ દલીલો

રાજકોટ, તા.૫: રાજકોટ સોનીબજાર, નવા નાકા રોડ પર સ્‍થિત સી.પી. જવેલર્સ ના પ્રોપ્રાઈટર શ્રી જયેશભાઈ ચંદ્રકાંતભાઈ ફીચડીયા પાસેથી રાજકોટના ઠકકરબાપા હરીજનવાસ, શેરી નં. ૮ વિસ્‍તારના રહીશ અતુલભાઈ ભીખુભાઈ રાઠોડ એ દાગીનાની ખરીદી કરેલ હોય, જે કાયદેસરના બે-બે બિલોના નાણાની વસુલાત માટે આરોપી અતુલભાઈએ કાયદેસરના બાકી નીકળતા લેણા પેટે ફરીયાદી જયેશભાઈ ફીચડીયાને રાજકોટ નાગરીક સહકારી બેન્‍ક લી., જંકશન પ્‍લોટ, રાજકોટ શાખાનો રૂા. ૨,૫૦,૦૦૦/, તા.૨૨/૦૬/૨૦૨૦ નો ચેક ઈસ્‍યુ કરેલ હતો. આ ચેક ફરીયાદી જયેશભાઈ ફીચડીયાએ બેન્‍કમાં રજુ કરતા ફંડસ ઈન્‍સફીશીયન્‍ટના શેરા સાથે પરત થયેલ હતો. જેથી આરોપી અતુલભાઈ રાઠોડ વિરુધ્‍ધ ફરીયાદી જયેશભાઈ ફીચડીયાએ રાજકોટની અદાલતમાં ફો.કે. નં.૧૦૨૩૫/૨૦૨૦ થી ફરીયાદ દાખલ કરેલ હતી.

સંપૂર્ણ કેસ ચાલતા દરમિયાન આરોપી પક્ષના વકીલ (ડો.) નયન વી. દોમડિયા એ ફરીયાદી જયેશભાઈ ચંદ્રકાંતભાઈ ફીચડીયાની આ કામે આરોપીને ખરીદી પેટે ઈસ્‍યુ કરવામાં આવેલ બે-બે બિલોની રકમ સંબંધિત રજુ રાખવામાં આવેલ તમામ પુરાવાઓને લઈને ઉલટતપાસ કરેલ હતી.

આમ સદરહું કેસમાં કોર્ટ દવારા આરોપીનું વિશેષ નિવેદન નોંધી ત્‍યારબાદ બંને પક્ષોની દલીલો સાંભળેલ હતી. આરોપીના વકીલશ્રી દોમડિયા તરફથી બચાવ પક્ષે કરવામાં આવેલ કેસની હકીકત અને કાયદાના પ્રશ્‍નને સંબંધિત ધારદાર દલીલો અને તેના સમર્થનમાં રજુ રાખવામાં આવેલ વિવિધ અદાલતોના ચુકાદાઓને ધ્‍યાને લઈને સદરહું કેસમાં ત્રીજા અધિક ચીફ જયુડીશ્‍યલ મેજીસ્‍ટ્રેટ કોર્ટે આરોપીને તા.૩૦/૦૧/૨૦૨૬ ના રોજ નેગોશિએબલ ઈન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટ, ૧૮૮૧ની કલમ-૧૩૮ ના ગુન્‍હામાંથી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ હતો. આ કેસમાં આરોપી વતી લીગલ એઈડ ડિફેન્‍સ કાઉન્‍સિલના વકીલ (ડો.) નયન વી. દોમડિયા રોકાયેલ હતા.

(2:50 PM IST)