News of Thursday, 5th February 2026
રાજનગરમાં આવેલા માતાજીના મઢેથી ઘરે જવા નીકળેલા વેપારીનું ચાલુ વાહને હૃદય બંધ પડયું
હનુમાન મઢી ચોકમાં ડિવાઇન વેડીંગ નામે શો રૂમ ચલાવતાં હતાં : તિરૂપતીનગરના ૬૫ વર્ષિય સતિષભાઇ ગોહેલ ખીજડાવાળા રોડ પરથી પસાર થતાં હતાં ત્યારે બનાવ

રાજકોટ તા. ૫: હનુમાન મઢી પાસે તિરૂપતીનગરમાં રહેતાં અને મઢી ચોકમાં ડિવાઇન વેડીંગ નામે મેરેજના કપડાનો શો રૂમ ધરાવતાં વેપારીનું રાજનગર નજીક ખીજડાવાળા રોડ પર ચાલુ વાહને હૃદય બંધ પડી જતાં મૃત્યુ થયું છે. તેઓ માતાજીના મઢેથી ઘરે જવા નીકળ્યા ત્યારે આ બનાવ બન્યો હતો.
જાણવા મળ્યા મુજબ રૈયા રોડ મઢી પાસે તિરૂપતીનગર-૧માં રહેતાં સતિષભાઇ વસંતભાઇ ગોહેલ (ઉ.વ.૬૫) ગઇકાલે બપોરે પોતાનું ટુવ્હીલર લઇને રાજનગરમાં આવેલા ગોહેલ પરિવારના માતાજીના મઢે કામ ચાલુ હોઇ ત્યાં આટો મારવા ગયા હતા. ત્યાં દર્શન કરી, કામનું નિરીક્ષણ કરી પરત ઘરે આવવા નીકળ્યા ત્યારે ખીજડાવાળા રોડ પર લક્ષ્મી સોસાયટી નજીક પહોંચ્યા ત્યારે ચાલુ ટુવ્હીલરે હાર્ટએટેક આવી જતાં ઢળી પડયા હતાં અને મૃત્યુ થયું હતું.
બનાવની જાણ થતાં માલવીયાનગર પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર સતિષભાઇ ચાર ભાઇ અને ત્રણ બહેનમાં ત્રીજા હતાં અને હનુમાન મઢી ચોકમાં ડિવાઇન વેડીંગ નામે મેરેજના કપડાનો શો રૂમ ચલાવતાં હતાં. સંતાનમાં બે દિકરા જતીનભાઇ અને મયુરભાઇ છે. આ બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
હરિઓમ સોસાયટીના શીલાદેવીનું બેભાન હાલતમાં મોત
બીજા બનાવમાં ગોંડલ રોડ રિધ્ધી સિધ્ધીના નાલા પાસે હરિઓમ સોસાયટીમાં રહેતાં શીલાદેવી મીશરીલાલ કોહરી (ઉ.વ.૪૨) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. બનાવની જાણ થતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી.
(3:15 PM IST)










