News of Friday, 6th February 2026
સગીરાના દુષ્કર્મના કેસમાં પકડાયેલ આરોપીની સજાના હુકમ સામેની અપીલમાં જામીન મંજૂર

રાજકોટ, તા.૬: સોશિયલ મીડિયા મારફત પરિચય કેળવી રાજકોટ દોઢસો ફૂટ રીંગ રોડ વિસ્તારની સગીરાને પ્રેમજાળમાં ફસાવી ભગાડી જઇ દુષ્કર્મ અને પોકસો એકટના પાંચ વર્ષ પહેલાના ગુન્હામાં સ્પેશિયલ પોક્સો કોર્ટે ભાટીયાના ઘનશ્યામ હરદાસ રાઠોડને ૨૦ વર્ષ કેદના કરેલા હુકમ સામેની અપીલમાં હાઇકોર્ટે સજાનો હુકમ મોકૂફ રાખી આરોપીને જામીન પર મુકત કરવા હુકમ કર્યો છે.
આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે આ કામમાં રાજકોટ શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર રહેતા એવા ભોગ બનનારના પિતાએ ગત તારીખ ૨૭/ ૦૮/ ૨૦૨૧ના રોજ પોલીસ સ્ટેશનમાં પોતાની ૧૫ વર્ષની સગીર વયની પુત્રીને લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી જવા અંગેની ફરીયાદ આપેલ હતી. જેમાં ભાટિયા રહેતા આરોપી ઘનશ્યામ હરદાસ રાઠોડે સગીરાને સોશીયલ મીડીયા ઈન્સ્ટાગ્રામ મારફત પ્રેમજાળમાં ફસાવી, લગ્ન કરવા માટે દબાણ કરતો હોય અને અને જો લગ્ન નહીં કરે તો પોતે મરી જશે તેવી ધમકી આપતો હોય જેથી સગીરા ધમકીને વશ થઈ ગત તા. ૨૫/ ૦૮/ ૨૦૨૧ના રોજ પોતાના ઘરેથી સ્કુલે જવા નીકળી રીક્ષામાં બેસી આરોપી પાસે ગયેલ અને ત્યાંથી આરોપી બસ મારફતે સગીરાને રાજકોટથી વડોદરા તથા વડોદરાથી સુરત લઈ જઈ હોટલમાં રૂમ રાખી તેની મરજી વિરૂધ્ધ અવાર નવાર શરીર સંબંધ બાંધેલ. જેથી રાજકોટ તાલુકા પોલીસે આરોપીની ધરપકડ કરીને રાજકોટ સ્પે. પોકસો કોર્ટના જજ સમક્ષ રજુ કરતા આરોપી વિરૂધ્ધ આઈ.પી.સી. ની કલમ ૩૬૬, ૩૭૬(૩), ૩૭૬(૨)(એન) તેમજ પોકસો એકટ ની કલમ ૬ નો ઉમેરો કરવામાં આવેલ અને ભોગબનનાર અને આરોપીની મેડીકલ તેમજ ફોરેન્સીક તપાસના પ્રમાણપત્ર મેળવવામાં આવ્યા હતા. આ કે સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલવા ઉપર આવતા ફરીયાદ પક્ષ તરફથી કુલ-૮ સાહેદો, તેમજ ૧૭-ડોકયુમેન્ટરી પુરાવાઓ રજુ કરવામાં આવેલ. બાદમાં પોકસો અદાલતે તા. ૦૪/ ૧૦/ ૨૦૨૫ના રોજ આરોપીને તકસીરવાર ઠરાવી ૨૦ વર્ષ કેદની સજાનો હુકમ ફરમાવ્યો હતો. જેની સામે આરોપીએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ ફાઈલ કરેલી જેમાં ભોગબનનારને આરોપી સાથે પ્રેમસંબંધ હોય અને પરીવારજનો તેની વિરૂધ્ધમાં હોય તેમજ હાથ પરનો કેસ પ્રેમસંબંધનો હોય તેવું અવલોકન ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે કરી આરોપી સામે પોકસોના ગુન્હામાં થયેલ ૨૦ વર્ષની કેદની સજાનો હુકમ મોકૂફ રાખી આરોપીને જામીન મુકત કરવાનો હુકમ ફરમાવ્યો હતો. આ કામમાં આરોપી વતી એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, રણજીત બી. મકવાણા, યોગેશ એ.જાદવ તથા મદદનીશમાં અભય ચાવડા, વિક્રમ કિહલા, સંજય મકવાણા, વિશાલ ડેડાણીયા, ગૌરવ જરીયા તેમજ ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ અનીલ એચ. રાઠોડ રોકાયા હતા.
(3:00 PM IST)










