News of Saturday, 7th February 2026
ગ્રામ પંચાયતોમાં મહિલા સભ્યના બદલે એના પરિવારના સભ્ય વહીવટ ચલાવે તો પગલા
તાલુકા-જિલ્લા પંચાયતોમાં કેટલાય પતિદેવોની ભૂમિકા તંત્રને નહિ દેખાતી હોય?

રાજકોટ તા. ૭ :.. જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદએ જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ચૂંટાયેલા સભ્યના બદલે તેના પરિવારના કોઇ સભ્ય વહીવટી ભૂમિકા કરે તો પગલા ભરવાની ચીમકી ઉચ્ચારતો તલાટીઓ જોગ પરિપત્ર કર્યો છે. તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતમાં અમૂક મહિલા સભ્યોના પતિદેવોની ભૂમિકા અંગે પરિપત્રમાં કોઇ ઉલ્લેખ નથી.
ડી. ડી. ઓ. એ પરિપત્રમાં જણાવ્યું છે કે, અવારનવાર અરજદારશ્રીઓ દ્વારા અત્રે કરેલ રજુઆત અન્વયે ધ્યાને આવેલ છે કે,
કેટલીક ગ્રામ પંચાયતોમાં ચૂંટાયેલા મહિલા સરપંચશ્રી અથવા મહિલા સદસ્યશ્રીઓના સ્થાને તેમના પતિ, પુત્ર કે અન્ય પુરુષ સંબંધીઓ (સરપંચ પતિ તરીકે) પંચાયતનો વહીવટ સંભાળે છે, સહિઓ કરે છે, બેઠકોમાં હાજરી આપે છે અથવા સરકારી કામકાજમાં બિનજરૂરી દખલગીરી કરે છે. આ પ્રથા લોકશાહીના મૂલ્યો અને કાયદાકીય જોગવાઈઓનું ઉલ્લંઘન છે.
આ પત્ર દ્વારા નીચે મુજબની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરાવવા આદેશ આપવામાં આવે છે.
પંચાયતની તમામ સભા કે અન્ય બેઠકોમાં માત્ર ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિ જ હાજર રહે તે સુનિヘતિ કરવું. તેમના બદલે તેમના પતિ કે અન્ય કોઈ સંબંધી બેઠકમાં બેસી શકશે નહીં.
ગ્રામ પંચાયતના રેકોર્ડ, ચેકબુક કે અન્ય સરકારી દસ્તાવેજો પર માત્ર ચૂંટાયેલા પ્રતિનિધિની જ સહી હોવી જોઈએ.
જો કોઈ કિસ્સામાં મહિલા પ્રતિનિધિના સ્થાને અન્ય વ્યક્તિ વહીવટ કરતી જણાશે, તો સંબંધિત તલાટી-કમ-મંત્રી સામે પણ શિસ્તભંગના પગલાં લેવામાં આવશે. તાલુકા કક્ષાએથી સમયાંતરે આ બાબતે આકસ્મિક તપાસ કરવી અને જો આવી ગેરરીતિ જણાય તો ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ પદાધિકારીશ્રીને હોદ્દા પરથી દૂર કરવા સુધીની કાર્યવાહી/દરખાસ્ત રજૂ કરવી. તેમ ડી. ડી. ઓ. એ જણાવ્યું છે.
(4:07 PM IST)










