News of Saturday, 7th February 2026
શિક્ષણમંત્રી રિવાબાએ બજેટ મહિલા સંવાદ કાર્યક્રમમાં અંજલિબેનને સ્ટેજ પર બોલાવી દીપ પ્રાગટ્ય કરાવડાવ્યું.
અંજલિબેનની સાથે સ્ટેજ નીચે બેસેલા પૂર્વ મેયર બિનાબેન આચાર્ય અને રક્ષાબેન બોળિયાને પણ સ્ટેજ પર બોલાવ્યા :સ્વાગત પ્રવચન દરમિયાન રિવાબા જાડેજાએ દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે...ગીતની પંક્તિ લલકારી

રાજકોટમાં બજેટ મહિલા સંવાદ કાર્યક્રમમાં શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. સ્વ. વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણી પણ કાર્યક્રમમાં હાજર હોય અને અન્ય લોકોની સાથે સ્ટેજ નીચે બેસ્યા હોય રિવાબાએ તેઓને સ્ટેજ પર બોલાવ્યા હતા અને દીપ પ્રાગટ્ય કરાવ્યું હતું
બજેટ મહિલા સંવાદ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વ. વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણી પણ હાજર રહ્યા હતા. અંજલિબેન રૂપાણી સ્ટેજની નીચે બેસ્યા હોય રિવાબાએ કાર્યક્રમની શરૂઆતમાં જ તેઓને ઉપર બોલાવ્યા હતા અને તેમના હસ્તે દીપ પ્રાગટ્ય કરાવ્યું હતું. અંજલિબેનની સાથે સ્ટેજ નીચે બેસેલા પૂર્વ મેયર બિનાબેન આચાર્ય અને રક્ષાબેન બોળિયાને પણ સ્ટેજ પર બોલાવવામાં આવ્યા હતા.
કેન્દ્રયી બજેટના સંદર્ભમાં રાજકોટ ભાજપ દ્વારા બજેટ મહિલા સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ હાજરી આપી હતી. સ્વાગત પ્રવચન દરમિયાન રિવાબા જાડેજાએ દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે...ગીતની પંક્તિ લલકારી હતી.
ગુજરાતના લોકોને બજેટમાં શું ફાયદો મળવાનો છે તે અંગે રિવાબાએ જણાવ્યુ કે, નિર્મલા સીતારામ દ્વારા સતત નવમી વખત નાણા બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. 53.05 લાખ કરોડના આ બજેટમાં માતૃશક્તિ, યુવા શક્તિ ઉપરાંત કિશાન, ઉદ્યમી અને MSME ઉદ્યોગકારોના વિકાસનો સમાવેશ થયો છે.શિક્ષણ, આરોગ્ય, MSME સેક્ટરમાં બહેનોનું યોગદાન કઈ રીતે વધે અને દેશના વિકાસમાં બહેનો કઈ રીતે સહભાગી બની શકે તેની ચર્ચા કરવામાં આવી હતી.
તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના લોથલ અને ધોળાવીરા સહિત દેશના 15 પુરાતત્વ સ્થાનોના વિકાસની જોગવાઈ કરવામાં આવી છે. MSME સેક્ટર માટે 200 ક્લસ્ટર પાર્કની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં 7 લાખ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. WHO ના સેન્ટરને અપગ્રેડ કરાશે. ગિફ્ટ સિટીમાં કંપનીઓ માટે 20 વર્ષ સુધી ટેક્સ હોલી ડે લંબાવવામાં આવ્યો છે. જેના પરિણામો ગિફ્ટ સિટીમાં વૈશ્વિક કંપનીઓનું રોકાણ વધશે.
5 લાખથી વધુ વસ્તી વાળા શહેરોને સીટી ઇકોનોમિક રીજન બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. સમગ્ર શિક્ષા અભિયાન માટે 42,100 કરોડની ફાળવણી કરવામાં આવી છે. PM શ્રી યોજના અંતર્ગત રૂ.7500 કરોડની જોગવાઈ થઈ છે. ગુજરાતમાં વેરાવળને કેન્દ્રીય વિદ્યાલયની ભેટ આપવા બદલ કેન્દ્ર સરકારનો આભાર માનું છું.
તેમણે જણાવ્યું કે, કેન્સર વિરોધી 17 દવાઓની કસ્ટમ ડ્યુટી હટાવી લેવામાં આવી છે. જેનાથી કેન્સર જેવી બીમારીઓનો સારવારનો ખર્ચ ઘટી જશે. ગુજરાતમાં 87 અમૃત રેલવે સ્ટેશન અંતર્ગત આધુનિકીકરણ કરવામાં આવશે. આ ઉપરાંત મધ્યમ વર્ગના લોકો માટે પાકા આવાસની સુવિધા સુનિશ્ચિત કરવામાં આવી છે.
(9:13 PM IST)










