<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

કણકોટના મુકેશ ઉધરેજાનું મિત્રોની નજર સામે જ છરીની અણીએ તેની જ કારમાં અપહરણ!

મિત્રો સાથે શાપર ગયો, ત્‍યાંથી પરત આવી ખોખડદળ પાસે મેલડી માતાના મંદિરે દર્શને જતાં હતાં ત્‍યારે બનાવ : શનીવારની ઘટનાઃ આજ સુધી પતિનો પત્તો ન મળતાં પત્‍નિ પૂજાબેન ઉધરેજા આજીડેમ પોલીસ સ્‍ટેશને પહોંચ્‍યાઃ પતિને કોઇ સાથે માથાકુટ નહિ હોવાનું કથન : સાંજે મુકેશે પત્‍નિ પૂજાબેનને ફોન કરેલો કે-આજે જમવાનું ન બનાવતી, આપણે બહાર જમશું, પછી ફોન સ્‍વીચ ઓફ થઇ ગયો અને મિત્રોએ કહ્યું-મુકેશનું અપહરણ થઇ ગયું છે

જેનું અપહરણ થયું તે યુવાન અને જેમાં અપહરણ થયું એ કાર જોઇ શકાય છે, આ યુવાન કોઇને જોવા મળે તો પોલીસને અથવા મોબાઇલ-૯૫૫૮૦ ૪૬૮૫૭ ઉપર જાણ કરવા જણાવાયું છે

રાજકોટ તા. ૯: કાલાવડ રોડ  કણકોટ વિસ્‍તારમાં રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા મુકેશભાઈ ઉઘરેજા નામના ૨૬ વર્ષીય યુવકનું સાતમીએ સાંજે ખોખડદળ ગામ પાસેના મેલડી માતાના મંદિર નજીકથી ચાર અજાણ્‍યા શખ્‍સો છરી બતાવી અપહરણ કરી જતાં ચકચાર મચી ગઇ છે. ત્રીજા દિવસે પણ અપહૃતનો કોઇ પત્તો ન મળતાં પરિવારમાં ચિંતા જન્‍મી છે.આરોપીઓએ યુવકને માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી તેની જ સ્‍વિફ્‌ટ કારમાં અપહરણ કરી નાસી છૂટયા છે. આ અંગે આજીડેમ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હોઇ તપાસનો ધમધમાટ થઇ રહ્યો છે આ બનાવમાં પોલીસે કણકોટ કોળીવાસ એન્‍જિનીયરીંગ કોલેજ પાસે રહેતાં પૂજાબેન મુકેશભાઇ ઉધરેજા (ઉ.વ.૨૬)ની ફરિયાદ પરથી અજાણ્‍યા સામે ગુનો નોંધ્‍યો છે. ફરિયાદી પૂજાબેન ઉઘરેજાએ જણાવ્‍યું હતું  તા. ૦૭/૦૨/૨૦૨૬ના રોજ બપોરે તેમના પતિ મુકેશભાઈ અને તેમના મિત્રો અરૂણભાઈ રાઠોડ, વિજયભાઈ ઉકેળીયા તથા વિજય મહતો પોતાની સ્‍વિફ્‌ટ કાર જીજે૩૬આર-૭૯૪૮ લઈને સાપર ગયા હતા. સાંજે ચાર વાગ્‍યે મુકેશભાઈએ પત્‍નિને ફોન કરીને કહ્યું હતું કે આજે રસોઈ બનાવતી નહીં, આપણે બહાર જમવા જઈશું. જો કે સાડા સાત વાગ્‍યા બાદ મુકેશભાઈનો ફોન બંધ આવવા લાગતા પરિવાર ચિંતામાં મુકાયો હતો.

મુકેશભાઈના મિત્ર અરૂણ ઉર્ફે ગીડીએ પરિવારને આપેલી માહિતી મુજબ તેઓ શાપરથી પરત ફરતા હતા ત્‍યારે ખોખડદળ મેલડી માતાના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા. આ સમયે સાંજના પોણા સાત વાગ્‍યાના અરસામાં એક સિલ્‍વર કલરની કારે તેમની ગાડી આંતરી હતી. કારમાંથી નીચે ઉતરેલા એક શખ્‍સે ઈશારાથી ગાડી ઉભી રખાવી હતી. ત્‍યારબાદ બીજી કારમાંથી અન્‍ય ત્રણ માણસો નીચે ઉતર્યા હતા. આરોપીઓએ ગાડીમાં સવાર મુકેશભાઈ અને તેના મિત્રોને નીચે ઉતારવા દબાણ કર્યું હતું. મુકેશભાઈ નીચે ન ઉતરતા એક શખ્‍સે છરી બતાવી ગાળો આપી તેમને ખેંચીને બહાર કાઢયા હતા અને ઢીકાપાટુનો માર માર્યો હતો. મુકેશભાઈના મિત્રો તેમને છોડાવવા વચ્‍ચે પડ્‍યા તો આરોપીઓએ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી પથ્‍થરમારો કર્યો હતો, જેના કારણે મિત્રો થોડે દૂર જતા રહ્યા હતા. તકનો લાભ લઈ ચારેય અજાણ્‍યા શખ્‍સો મુકેશભાઈને તેમની જ સ્‍વિફ્‌ટ કારમાં બળજબરીથી બેસાડી, બંને કાર લઈ અંધારામાં ફરાર થઈ ગયા હતા. આજીડેમ પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં પીએસઅઇા એસ. એલ. ગોહિલે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ ચકાસવા અને આરોપીને શોધી અપહૃતને મુક્‍ત કરાવવા તપાસ શરૂ કરી છે. પોલીસ અપહૃતના મિત્રોની પણ પુછતાછ કરી રહી છે. દરમિયાન પૂજાબેન ઉધરેજાએ વાતચીતમાં કહ્યું હતું કે આજે સોમવાર સવાર સુધી મારા પતિનો કોઇ પત્તો મળ્‍યો ન હોઇ અમે ફરીથી પોલીસ સ્‍ટેશને પહોંચ્‍યા છીએ. તેમને કોઇ સાથે માથાકુટ નહિ હોવાનું પણ તેણી કહી રહ્યા છે. 

 

(11:34 AM IST)