<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

મહિલાનું અપહરણ કરી દૂષ્‍કર્મઃ બેડીના નામચીન હરેશ ઉર્ફ ભુરાને એસઓજીએ પિસ્‍તોલ સાથે દબોચ્‍યો

પાંચ વર્ષ પહેલા રિક્ષામાં લેવા-મુકવા આવતો હોઇ ફસાવી લઇ જે તે વખતે પોતાની ઘરે બળજબરી આચરી હતીઃ ચાર દિવસ પહેલા અપહરણ કરી લઇ ગયો, દેહ પીંખી બગોદરા પાસે ઉતારી મુકી ભાગી ગયો હતોઃ અગાઉ ૯ ગુનામાં સામેલ : એસઓજીની ટીમે બેડી વાછકપરના હરેશ ઉર્ફ ભુરો જાદવને ઝડપી લીધોઃ અગાઉ ૯ ગુનામાં સામેલઃ પીઆઇ સંજયસિંહ જાડેજા, પીએસઆઇ વી. કે. ઝાલા અને ટીમની કાર્યવાહીઃ રાજેશભાઇ બાળા, સિધ્‍ધરાજસિંહ જાડેજાની બાતમી

 

રાજકોટ તા. ૯: શહેરમાં રહેતી એક મહિલાને પિસ્‍તોલ બતાવી અપહરણ કરી દુષ્‍કર્મ આચરનાર બેડી વાછકપરના નામચીન શખ્‍સને શહેર એસઓજીની ટીમે દેશી બનાવટની પિસ્‍તોલ અને કાર્ટીસ સાથે પકડી લીધો છે. આ શખ્‍સ વિરૂધ્‍ધ ગાંધીગ્રામ પોલીસમાં દૂષ્‍કર્મ અપહરણની કલમો હેઠળ ગુનો દાખલ થયો છે. મહિલાને પાંચ વર્ષ પહેલાં કુખ્‍યાત શખ્‍સે ફસાવી હતી અને પહેલીવાર પોતાના ઘરે કેફી પીણું પીવડાવી દેહ ચૂંથ્‍યો હતો. ત્‍યારબાદ આજથી ચાર દિવસ પહેલા ફરીથી તેણીનું  કારમાં અપહરણ કરી ઇન્‍દોર લઈ જઈ ત્‍યાં કેફી પીણુ પાઇ બળજબરી આચરી લીધી હતી અને બાદમાં બગોદરા પાસે ધમકી આપી તરછોડી દિધી હતી.

એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે એએસઆઇ રાજેશભાઇ બાળા અને હેડકોન્‍સ. સિધ્‍ધરાજસિંહ જાડેજાને બાતમી મળી હતી કે અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં દુષ્‍કર્મ, આર્મ્‍સ એકટ સહિતની કલમ હેઠળના ગુનામાં સામેલ બેડી વાછકપરનો હરેશ ઉર્ફ ભુરો મોતીભાઇ જાદવ (ઉ.વ.૩૦) બેડી નજીક આવ્‍યો છે અને તેની પાસે ગેરકાયદે હથીયાર છે. આ બાતમી પરથી તેને દબોચી તલાસી લેતાં રૂા. ૧૦ હજારની દેશી પિસ્‍તોલ, ૩ જીવતા કાર્ટીસ અને એક ફુટેલો કાર્ટીસ મળ્‍યા હતાં. પોલીસે હથીયાર, જીજે૦૩એનએમ-૩૨૭૬ નંબરનું ટુવ્‍હીલર પણ કબ્‍જે કર્યુ હતું.

દૂષ્‍કર્મના બનાવ અંગે રાજકોટમાં  રહેતી ૩૮ વર્ષીય મહિલાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે હરેશ મોતી જાદવ (રહે. વાછકપર બેડીગામ, રાજકોટ)નું નામ આપતાં ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી હતી. ભોગ બનનારે જણાવ્‍યું હતું કે, તેઓને આરોપી હરેશ જાદવે પાંચેક વર્ષ પહેલા તેની રિક્ષામા ઘરે મુકવા આવી ઓળખાણ કરી મોબાઇલ નંબરની આપ-લે કરી હતી. જે બાદ બંને વચ્‍ચે વાતચીત થતી હતી. ત્રણેક વર્ષ પહેલા આરોપીનો બર્થડે હોય જેથી તેના ઘરે વાછકપર બેડી ગામે બોલાવી મહિલાને પરાણે કેફી પીણુ પીવડાવી તેણી સાથે પરાણે શરીર સબંધ બાંધેલ હતો. જેથી મહિલાએ આરોપી સાથે સબંધ તોડી નાખેલ હતો.  ત્‍યાર બાદ ત્રણેક દીવસ અગાઉ આરોપીએ તેની સફેદ કલરની કારમાં આવી પિસ્‍તોલ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી શરીરે મુંઢ માર મારી બળજબરીથી અપહરણ કરી ઇંદોર તેના ઓળખીતાના ઘરે લઇ જઇ ત્‍યાં કેફી પીણુ પીવડાવી અર્ધ બેભાન કરી પરાણે શરીર સબંધ બાંધ્‍યો હતો.

બીજા દિવસે બગોદરા પાસે કારમાંથી ઉતારી જો આ વાત કોઇને કહીશ કે મારી સામે ફરિયાદ કરીશ તો તારા આખા ખાનદાનને પતાવી દઇશ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી તરછોડી આરોપી નાસી છૂટયો હતો.આ પછી યેનકેન પ્રકારે રાજકોટ પહોંચી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી પીઆઈ સેજલ મેઘાણી અને ટીમે તપાસ આદરી હતી. આ આરોપીને ગાંધીગ્રામ પોલીસ શોધતી હતી ત્‍યારે એસઓજીની ટીમને બાતમી મળતાં પકડી લીધો હતો. હરેશ ઉર્ફ ભુરા વિરૂધ્‍ધ અગાઉ દારૂ, મારામારી સહિત ૯ ગુનાઓ કુવાડવા રોડ પોલીસમાં નોંધાઇ ચુક્‍યા હતાં.

ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની સુચના અંતર્ગત એસઓજી પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ વી. કે. ઝાલા, એએસઆઇ રાજેશભાઇ બાળા, હેડકોન્‍સ. સિધ્‍ધરાજસિંહ જાડેજા, મહાવીરસિંહ ઝાલાએ આ કામગીરી કરી હતી. (૧૪.૫)

(4:04 PM IST)