News of Monday, 9th February 2026
શહેર ભાજપનું નવું સંગઠન જાહેર જ્ઞાતિ સમીકરણો અને યુવા ચહેરાઓનો સમન્વય .
રાજકોટ શહેર ભાજપ સંગઠનમાં નવા હોદેદારોની નિમણૂકઃ ૮ ઉપપ્રમુખ '૩ મહામંત્રી '૮ મંત્રી ૧ કોષાધ્યક્ષની નિમણૂક : મહામંત્રી પદે વલ્લભભાઈ દૂધાત્રા, યોગેન્દ્રસિંહ જાડેજા,લલિત વડોલીયાઃ પાટીદાર, ક્ષત્રિય અને ઓબીસી સમાજને મહામંત્રી પદ મળ્યું

રાજકોટ તા.૯: લાંબી રાહ જોયા બાદ આખરે રાજકોટ શહેર ભાજપ સંગઠન ના નવા હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ નવા માળખામાં ભાજપે આગામી ચૂંટણીઓ અને પક્ષની મજબૂતીને ધ્યાનમાં રાખીને ક્ષત્રિય અને ઓબીસી સમાજ વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે. નવા સંગઠનમાં ૮ ઉપપ્રમુખ, ૩ મહામંત્રી, ૮ મંત્રી અને ૧ કોષાધ્યક્ષ સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે.
શહેર ભાજપમાં સૌથી મહત્વના ગણાતા ત્રણ મહામંત્રી પદ માટે પક્ષે સોગઠા ગોઠવ્યા છે. જેમાં પાટીદાર, ક્ષત્રિય અને OBC સમાજના પ્રતિનિધિઓને સ્થાન આપીને તમામ વર્ગોને સાધવાનો પ્રયત્ન થયો છે. મહામંત્રી તરીકે વલ્લભભાઈ દૂધાત્રા યોગેન્દ્રસિંહ જાડેજા ,લલિત વડોલીયાની નિમણૂક કરવામાં આવી છે.
મહામંત્રી પદ માટે ગાંધીનગર સુધી ભારે લોબિંગ ચાલ્યું હતું. ખાસ કરીને પાટીદાર ક્વોટામાં અનેક નામોની ચર્ચા હતી, પરંતુ અંતે સામાકાંઠા વિસ્તારના લેઉવા પાટીદાર અગ્રણી અને અનુભવી નેતા વલ્લભભાઈ દૂધાત્રા પર પસંદગીનો કળશ ઢોળાયો છે. વલ્લભભાઈ અગાઉ સંગઠન ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકામાં પણ મહત્વના હોદ્દાઓ સંભાળી ચૂક્યા છે. તેવી જ રીતે, ક્ષત્રિય સમાજમાં અનેક મોટા નામો વચ્ચે યોગેન્દ્રસિહ જાડેજાની પસંદગી કરવામાં આવી છે.
ભાજપે આ વખતે સંગઠનમાં નો રીપીટ થીયરીની ઝલક સાથે નવા લોહીને પણ તક આપી છે. વિવિધ મોરચા અને ખાસ કરીને યુવા મોરચામાં તદ્દન નવા જ ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. બીજી તરફ, યુવા મોરચામાં અગાઉ શ્રેષ્ઠ કામગીરી કરનાર પૂર્વ હોદ્દેદારોને હવે મુખ્ય સંગઠનમાં જવાબદારી સોંપીને તેમની બઢતી કરવામાં આવી છે.
મહામંત્રીઃ વલ્લભભાઈ દૂધાત્રા, યોગેન્દ્રસિહ જાડેજા, લલિત વડોલીયા.
ઉપપ્રમુખઃ ૮ સભ્યોની નિમણૂક.
મંત્રીઃ ૮ સભ્યોને સંગઠનની જવાબદારી.
કોષાધ્યક્ષઃ ૧ નિમણૂક.
આ નવી ટીમ સાથે રાજકોટ ભાજપ હવે આગામી રાજકીય પડકારો માટે સજ્જ બની છે. નવા સંગઠનમાં અનુભવી જુના જોગીઓ અને ઉત્સાહી યુવા ચહેરાઓનો સમન્વય જોવા મળી રહ્યો છે.(૩૮.૧૭)
(4:47 PM IST)










