News of Monday, 9th February 2026
રૈયાધાર મોમાઇનગરમાં બાથરૂમમાં પડી જતાં ૨૩ વર્ષના વિષ્ણુનું મોત
પીઠડઆઇ સોસાયટીના વિનુભાઇ પરમાર ઘર પાસે હોટલે બેઠા બેઠા ઢળી પડયાઃ હૃદય રોગના હુમલાથી મોતઃ દિવાથી દાઝેલી ૩ વર્ષની લક્ષ્મીનું મોત

રાજકોટ તા. ૯: રૈયાધાર મોમાઇનગર સ્લમ ક્વાર્ટર પાસેર હેતો વિષ્ણુ નરોત્તમભાઇ મોસપરા (ઉ.વ.૨૩) ઘરે બાથરૂમમાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
મૃત્યુ પામનાર વિષ્ણુ ત્રણ ભાઇમાં મોટો અને અપરિણીત હતો. તેના પિતા શાકભાજીનો ધંધો કરી ગુજરાન ચલાવે છે. આંચકીની બિમારી હોઇ તે કંઇ કામ કરતો નહોતો. યુવાન દિકરાના મોતથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી કરી હતી.
બીજા બનાવમાં આજીડેમ ચોકડીએ માંડાડુંગર નજીક પીઠડઆઇ સોસાયટી-૧માં રહેતાં વિનુભાઇ બાબુભાઇ પરમાર (ઉ.વ.૪૮) સાંજે ઘર નજીક શક્તિ હોટલ પાસે બેઠા હતાં ત્યારે બેભાન થઇ ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક છુટક મજૂરી કરતાં હતાં. હાર્ટએટેક આવી ગયાનું તપાસમાં ખુલ્યું હતું. એએસઆઇ કે. જે. કુરીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી.
ત્રીજા બનાવમાં કાલાવડના પાંચદેવડા ગામે રહેતાં કરસનભાઇ ગજેરીયાની દિકરી લક્ષ્મી (ઉ.વ.૩) ઘરમાં તા. ૭ના રોજ સુતી હતી ત્યારે દિવો માથે પડતાં ગળાના ભાગે દાઝી જતાં સારવાર માટે રાજકોટ ખસેડાઇ હતી. અહિ મૃત્યુ થતાં પરિવામાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ મારફત જાણ થતાં એ-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી.
વિજથાંભલામાંથી કરંટ લાગતાં જયેશભાઇ રાઠોડનું મોત
ચોથા બનાવમાં જામનગરમાં મારકેટ રોડ રબારી પાર્ક ગેઇટ પાસે ભરવાડની ચાની હોટલ પાસે રહેતો જયેશભાઇ વાલાભાઇ રાઠોડ (ઉ.વ.૩૫) ૩૧/૧ના ચાલીને જતો હતો ત્યારે વિજથાંભલામાંથી કરંટ લાગતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. તનું ગઇકાલે મૃત્યુ થતાં પ્ર.નગર પોલીસે કાર્યવાહી કરી જામનગર પોલીસને જાણ કરી હતી.
(4:05 PM IST)










