<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

ભાજપ કોર્પોરેટરની મહિલા કાર્યકર સાથે બિભત્‍સ વાતચીતઃ ચેટ વાયરલ

કોઠારીયા વિસ્‍તારમાં રાજકીય ચર્ચાનો માહોલ ગરમાયો

રાજકોટ, તા. ૯: એકતરફ આજે શહેર ભાજપનું માળખું જાહેર થયું છે બીજી તરફ ભાજપના કોર્પોરેટરની તેના જ વોર્ડના મહિલા કાર્યકર સાથેની બીભત્‍સ ચેટ વાયરલ થતા ઉહાપોહ સર્જાયો છે. આ મુદે કોઠારીયા વિસ્‍તારમાં રાજકીય માહોલ ગરમાયો છે.

રાજકોટ કોર્પોરેશનની ચુંટણીના આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્‍યારે શાસક પક્ષ ભાજપના કોર્પોરેટર ફરી એક વખત વિવાદમાં આવ્‍યા છે. કોઠારીયા વિસ્‍તારના નગર સેવકની કથિત બિભત્‍સ ચેટ સોશિયલ મીડિયા પર વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્‍યો છે. વોર્ડના જ મહિલા કાર્યકર સાથે સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર બિભત્‍સ ચેટ કરતા હોવાનું સામે આવ્‍યું છે. વોર્ડના અન્‍ય આગેવાને ખેલ પાડી દીધો હોવાની ચર્ચા ચાલી રહી છે.

આ વિસ્‍તારમાં ભાજપના ચારેય કોર્પોરેટરો વચ્‍ચે છેલ્લા ઘણા સમયથી અણબનાવ ચાલી રહ્યો છે. બે જૂથમાં ચાર કોર્પોરેટરો વેચાઇ ગયા છે. અનેક વખત અધિકારીઓ કે પદાધિકારીઓની હાજરીમાં પણ ચકમક ઝરી ચુકી છે. હવે જ્‍યારે કોર્પોરેશનની ચુંટણી નજીક આવી રહી છે ત્‍યારે બંને જૂથો એકાબીજાને ટિકિટ ન મળે તે માટે સક્રિય થઇ ગયા હોય તેવું લાગી રહ્યું છે. વોર્ડના કોર્પોરેટર વોર્ડના જ મહિલા કાર્યકર સાથે વોટ્‍સએપ્‍પ પ્‍લેટફોર્મ પર બિભત્‍સ ચેટ કરતા હોવાનું વાયરલ થયું છે. જેમાં ખૂબ જ ગંદી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્‍યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ ડખ્‍ખાએ હવે શહેર ભાજપને શરમજનક સ્‍થિતિમાં મૂકી દીધું છે. કોર્પોરેટરોની અંગત બાબતો હવે જાહેર થવા માંડી છે. વોર્ડના જ એક આગેવાને આ ખેલ પાડી દીધો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આ અંગે કોઇ મોંઢુ ખોલવા તૈયાર નથી

(4:01 PM IST)