તા. ૯ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૩ બુધવાર
News of Friday, 13th February 2026
રાજકોટમાં ‘જય જલારામ'નો નાદ ગુંજ્યોઃ પૂજ્ય બાપાની ૧૪૫મી પુણ્યતિથિની આસ્થાભેર ઉજવણી

રાજકોટ, તા.૧૩: રાજકોટમાં ગઈકાલે જલીયાણનો જયઘોષ ગુંજી ઉઠ્યો હતો. દેને કો ટુકડા ભલા, લેને કો હરિ નામના સેવા મંત્રને વરેલા સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની ૧૪૫મી પુણ્યતિથિ નિમિત્તે રઘુવંશી મિત્ર મંડળ (શ્રી જલીયાણ સેવા ટ્રસ્ટ) દ્વારા ૧૫૦ ફૂટ રિંગ રોડ પર બિગ બજાર પાસે આવેલા રાજ શળંગાર પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાંજે ૬:૩૦ કલાકે જ્યારે પૂજ્ય બાપાની દિવ્ય મહાઆરતીનો પ્રારંભ થયો, ત્યારે સમગ્ર વાતાવરણ અત્યંત ભક્તિમય બની ગયું હતું. જય જલારામના ગગનભેદી જયઘોષ વચ્ચે હજારો ભાવિકોએ એકસાથે આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી.
બાપાની અખંડ સેવા પરંપરા મુજબ, આરતી બાદ સાંજે ૭ થી ૧૦ કલાક દરમિયાન વિશાળ મહાપ્રસાદનું સુંદર આયોજન કરાયું હતું. જેમાં રાજકોટના વિવિધ વિસ્તારોમાંથી ઉમટી પડેલા હજારો લોહાણા જ્ઞાતિના ભાઈ-બહેનો અને બાળકોએ અત્યંત શિસ્તબદ્ધ રીતે પ્રસાદ ગ્રહણ કર્યો હતો. રઘુવંશી સમાજની વિવિધ સંસ્થાઓના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં સામાજિક એકતા અને સમર્પણ ભાવનાના દર્શન થયા હતા.
આયોજનને સફળ બનાવવા માટે રઘુવંશી મિત્ર મંડળના કમીટી મેમ્બરો સર્વશ્રી જયેશભાઈ કક્કડ, હિતેષભાઈ અનડકટ, ભાવેશભાઈ રૂપારેલીયા, કપીલ ગણાત્રા, શુભમ રાઘુરા, સચીનભાઈ નથવાણી, પરેશભાઈ જોબનપુત્રા, રવિભાઈ માણેક, કલ્પેશભાઈ કોટેચા, નીતીનભાઈ ઉનડકટ, જયદીપભાઈ સોઢા અને દિપભાઈ કોટેચા તેમજ બહોળી સંખ્યામાં સ્વયંસેવકોએ સેવા આપી હોવાનું હાર્દિક ચંદારાણાની યાદીમાં જણાવાયું છે.
(3:29 PM IST)










