તા. ૨૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૩ ગુરૂવાર
News of Friday, 13th February 2026
શહેરમાં વધુ એક ફૂટ બ્રિજ : મનપાએ કવાયત હાથ ધરી
પેસેન્જરોની અવર-જવર સરળ બનાવવા ગોંડલ ચોકડીએ પ કરોડના ખર્ચે બનાવવા ટેન્ડર પ્રસિધ્ધ

રાજકોટ તા. ૧૩: શહેરના સતત ટ્રાફિકથી ધમધમતા રાજમાર્ગો અને સર્કલો ઉપર પગપાળા જતાં લોકો માટે ફૂટબ્રીજ બનાવવાનો નિર્ણય લઈ ગઈકાલે બીગબઝાર સર્કલ અને અમિન માર્ગ રોડ કોર્નર પર બ્રિજ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે અને હવે શહેરના મુખ્યનાકા ગોંડલ ચોકડી રૂા. ૫ કરોડના ખર્ચે સાંઢિયાપુલ પુરો થાય તે સ્થળે ફૂટ ઓવરબ્રીજ બનાવવામાં મનપા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મનપા દ્વારા વોર્ડ નં. ૧૩માં ગોંડલ રોડ ઉપર સાંઢિયાપુલ પુરો થાય છે ત્યાં ગોંડલ ચોકડી પર પાંચ કરોડના ખર્ચે ફૂટ ઓવરબ્રીજ બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ અંગે જાણવા મળેલ વિગત મુજબ ગોંડલ ચોકડી ખાતે પેસેન્જરોની અવર જવર રહેતી હોય છે. બન્ને સાઈડ બસમાંથી ઉતર્યા બાદ મુસાફરોએ રોડ ક્રોસ કરવો પડે છે. જેના લીધે સતત ટ્રાફિક હોવાથી અવાર નવાર અકસ્માતોના બનાવો બની રહ્યા છે. જેના નિવારણ માટે સર્વે કર્યા બાદ કોર્પોરેશને આ સ્થળે ફૂટ ઓવરબ્રીજની જરૂરિયાત લાગતા હવે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. શહેરના વેસ્ટ અને ઈસ્ટઝોન માંથી અમદાવાદ તરફ તેમજ ગોંડલ તરફ જતાં મુસાફરોનો આ ચોકડી ઉપર ભારે ધસારો રહે છે. જેથી રોડ ક્રોસીંગ કરવા માટે ફૂટ ઓવરબ્રીજ તૈયારકરવામાં આવશે.
મનપાના બાંધકામ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ બીગબઝાર સર્કલ તેમજ ૧૫૦ ફૂટ રીંગ રોડના અમિન માર્ગ કોર્નર ઉપર બે ફૂટ ઓવરબ્રીજ બનાવવાની કામગીરી શરૂ થઈ ચુકી છે અને હવે ગોંડલ ચોકડીએ બ્રીજ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે.
(4:31 PM IST)










