<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

રાજકોટમાં લઘુ અખબારોના આગામી કાર્યક્રમમાં મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ આપશે હાજરીઃ પ્રતિનિધિ મંડળે મુલાકાત લીધી

રાજકોટઃ ગુજરાત સ્‍ટેટ સ્‍મોલ ન્‍યુઝપેપર એડિટર કાઉન્‍સિલ દ્વારા આગામી કાર્યક્રમમાં રાજકોટ ખાતે લઘુ અને મધ્‍યમ અખબારોના હિતાર્થે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. આ કાર્યક્રમની રૂપરેખા ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે, મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલે આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે પોતાની સૈદ્ધાંતિક સંમતિ આપી દીધી હોવાનું જણાવાયું છે.

ગુજરાત સ્‍ટેટ સ મોલ ન્‍યુઝ પેપર એડિટર કાઉન્‍સિલના ચેરમેન યશવંતભાઈ જનાણી અને પ્રમુખ સુરેશભાઈ પરમારના નેતૃત્‍વમાં એક પ્રતિનિધિ મંડળે ગાંધીનગર સચિવાલય ખાતે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ સૌજન્‍ય મુલાકાત દરમિયાન હોદેદારોએ આગામી સમયમાં રાજકોટના આંગણે યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેવા મુખ્‍યમંત્રીશ્રીને નિમંત્રણ પાઠવ્‍યું હતું જેનો તેઓએ સ્‍વીકાર કર્યો હતો. આ સાથે જ પ્રતિનિધિ મંડળે રાજ્‍યના વિવિધ મંત્રીમંડળના સભ્‍યો તેમજ ઈફકોના ચેરમેન દિલીપભાઈ સાંઘાણીની પણ શુભેચ્‍છા મુલાકાત લીધી હતી.

આ પ્રતિનિધિ મંડળમાં મહામંત્રી એચ.એ.નકાણી, મંત્રી નારણભાઈ સોલંકી, ગુણવંતભાઈ ભટ્ટ, ભાવેશભાઈ આચાર્ય, પ્રકાશભાઈ સોલંકી અને પીઢ પત્રકાર યોગીજી જોડાયા હતા. ગુજરાત સ્‍ટેટ સ મોલ ન્‍યુઝ પેપર એડિટર કાઉન્‍સિલની સક્રિય રજૂઆતોને કારણે જ રાજ્‍ય સરકારે પત્રકારો માટે વોલ્‍વો બસોમાં નિઃશુલ્‍ક મુસાફરીનો પરિપત્ર જાહેર કર્યો છે. આ બેઠકમાં ચેરમેન દ્વારા મકાનવેરામાં વ્‍યાજ મુક્‍તિ અને ગ્રાન્‍ટેડ શાળાઓ માટે વિશેષ રજૂઆત મુખ્‍યમંત્રી સમક્ષ મૂકવામાં આવી હતી.(તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(4:21 PM IST)