News of Saturday, 14th February 2026
હૃદય બંધ પડી જતાં સોફટવેર એન્જિનીયર યુવાન અને ફર્નિચરના કારીગરના મૃત્યુ
લક્ષ્મીવાડીના ૪૦ વર્ષિય કિંજલકુમાર મદાણી અને કોઠારીયાના ૪૬ વર્ષિય સંજયભાઇ ખોખરે સિવિલ હોસ્પિટલમાં દમ તોડયોઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૪: હૃદય રોગના હુમલાથી વધુ બે લોકોના મૃત્યુ થયા છે. લક્ષ્મીવાડીમાં રહેતાં સોફટવેર એન્જિનીયર યુવાન અને કોઠારીયામાં રહેતાં અને મિષાી કામ કરતાં આધેડ ઘરે ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયા હતાં.
જાણવા મળ્યા મુજબ લક્ષ્મીવાડી શેરી નં. ૭માં રહેતાં કિંજલકુમાર ધીરજલાલ મદાણી (ઉ.વ.૪૦) નામના યુવાન સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્યુ પામનાર કિંજલકુમાર ત્રણ ભાઇમાં નાના હતાં અને સોફટવેર એન્જિનીયર તરીકે કામ કરતાં હતાં. સંતાનમાં બે દિકરા છે. હાર્ટએટેક આવી ગયાનું પરિવારજનોએ કહ્યું હતું.
બીજા બનાવમાં કોઠારીયા ગામમાં પાણીના ટાંકાની સામે રહેતાં સંજયભાઇ બટુકભાઇ ખોખર (ઉ.વ.૪૬)રાતે ત્રણેક વાગ્યે સંજયભાઇને એકાએક છાતીમાં દુઃખાવો ચાલુ થઇ જતાં પરિવારજનોએ તુરત જ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં. પરંતુ અહિ ટુંકી સારવારને અંતે દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના યુવરાજસિંહ સહિતે જાણ કરતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર સંજયભાઇ બે ભાઇ અને એક બહેનમાં વચેટ હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. પોતે ફર્નિચર કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. બંને બનાવમાં ભક્તિનગર પોલીસ અને આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી. (૧૪.૧૦)
(2:45 PM IST)










