<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

રાજકોટ માર્કેટ યાર્ડમાં બટાટાની ગુણીઓ ભરેલા ટ્રકના ચોરખાનામાં છુપાવેલો ૩૩.૩૭ લાખનો દારૂ ઝડપાયો

સ્‍થાનિક પોલીસ, ડીસીબી, પીસીબીને ગંધ ન આવી : સ્‍ટેટ મોનીટરીંગ સેલને બાતમી મળી ગઇ : આગ્રા યુપીના અલીમુદ્દીન તૈલી અને શૈતાનસિંહ નાઇ ઝડપાયાઃ મોકલનાર આગ્રાનો શખ્‍સ, ટ્રક માલિક અને મંગાવનારની શોધખોળ : લવલી આલુ ભંડાર નામની દૂકાન પાસે કાર્યવાહીઃ ૪૮૦ ગુણી બટાટા પણ કબ્‍જે

 

રાજકોટ તા. ૧૬: સ્‍ટેટ મોનીટરીંગ સેલની ટીમે વધુ એક વખત રાજકોટ પોલીસને અંધારામાં રાખી દારૂનો મોટો જથ્‍થો ઝડપી લીધો છે. શહેરના જુના માર્કેટયાર્ડમાં લવલી આલુ ભંડાર નામની દૂકાન પાસે રાત્રીના સ્‍ટેટ મોનીટરીંગ સેલની ટીમ બાતમીને આધારે ત્રાટકી હતી અને એક ટ્રકમાં બટાટાની ગુણીઓ નીચે લાકડાના પાટીયાથી બનાવેલા ચોરખાનાઓમાં છુપાવેલો ૩૩,૩૭,૯૯૨નો દારૂનો જથ્‍થો ઝડપી લઇ આગ્રા યુપીના બે શખ્‍સને પકડી લીધા છે. જ્‍યારે મોકલનાર આગ્રાના શખ્‍સ, ટ્રક માલિક અને મંગાવનારા રાજકોટના શખ્‍સની શોધખોળ હાથ ધરી છે. આગળની તપાસ થોરાળા પોલીસને સોંપવામાં આવી છે.

ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્‍ચે સ્‍ટેટ મોનિટરિંગ સેલએ રાજકોટ શહેરમાં ફરી વખત સફળતા મેળવી છે. જાણવા મળ્‍યા મુજબ એસએમસીના પીએસઆઈ કે.ડી. રાવિયા અને તેમની ટીમને મળેલી બાતમીના આધારે રાજકોટ શહેરના બી-ડિવિઝન પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં આવેલ  જૂના માર્કેટિંગ યાડમાં દુકાન નંબર જે-૧૬ પાસે લવલી આલુ ભંડાર નામની દૂકાન દરોડો પાડવામાં આવ્‍યો હતો. બુટલેગરોએ પોલીસથી બચવા માટે ટ્રકમાં ૪૮૦ બટાકાની ગુણીઓની આડમાં વિદેશી દારૂની પેટીઓ છુપાવી હતી. પોલીસે તપાસ કરતા રોયલ ચેલેન્‍જ, રોયલ સ્‍ટેગ અને ઈમ્‍પિરિયલ બ્‍લુ જેવી બ્રાન્‍ડની કુલ ૮,૨૫૭ નંગ બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂપિયા ૩૩,૩૭,૯૯૨ થાય છે. આ દારૂની પેટીઓ ટ્રકમાં ઠાઠામાં લાકડાના પાટીયાઓનો ઉપયોગ કરીને બનાવાયેલા ચોરખાનામાં છુપાવ્‍યો હતો.

પોલીસે આ કાર્યવાહી દરમિયાન ૩૩,૩૭,૯૯૨નો દારૂ, ૨૦ લાખનો ટ્રક નં.  આરજે૧૭જીએ-૪૫૧૩, ૪૬ હજારના બટાટા, ૧૧૨૧૦ના રોકડ-મોબાઇલ ફોન મળી કુલ ૫૩,૯૫,૨૦૨નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે. એસએમસીની ટીમે આ ટ્રક લાવનારા અલીમુદ્દીન શ્રીલાલ તૈલી (રહે. આગ્રા, ઉત્તરપ્રદેશ) અને શૈતાનસિંહ શ્રીકૈલાશજી નાઈ (રહે. આગ્રા,  ઉત્તરપ્રદેશ)ની ધરપકડ કરી છે. બી-ડિવીઝન પોલીસમાં એસએમસીના એએસઆઇ નરેશભાઇ ધનજીભાઇએ ગુનો દાખલ કરાવ્‍યો છે. ત્રણ આરોપીને વોન્‍ટેડ જાહેર કરાયા છે. જેમાં  દારૂનો જથ્‍થો મોકલનાર સપ્‍લાયર મોનુ તૈલી (આગ્રા), ટ્રકનો માલિક અને રાજકોટનો સ્‍થાનિક રિસીવર-દારૂ મંગાવનાર અજાણ્‍યો શખ્‍સ સામેલ છે. આગળની તપાસ થોરાળા પોલીસ સ્‍ટેશનના પીઆઇ એન. જી. વાઘેલાએ હાથ ધરી છે. શહેરની સ્‍થાનિક પોલીસ તેમજ પીસીબી, ડીસીબીની ટીમો સતત દારૂ પકડતી રહે છે. પરંતુ આ વખતે એસએમસીની ટીમે પાક્કી બાતમી મળવી આ તમામને અંધારામાં રાખી દારૂનું કટીંગ થાય એ પહેલા ત્રાટકીને કાર્યવાહી કરી હતી.

(2:35 PM IST)