News of Monday, 16th February 2026
વેરાવળ રેલ્વે સ્ટેશને ટ્રેનમાં ચડતી વખતે લપસી પડતાં રાજકોટના તેર વર્ષના મોહિતનું કરૂણ મોત
ધોરણ-૬માં ભણતો ટેણીયો પાડોશી સાથે સોમનાથ દર્શન કરવા ગયો હતોઃ વેરાવળ, જુનાગઢ સારવાર અપાવી રાજકોટ ખસેડાયો પણ દમ તોડી દીધોઃ આજીડેમ પાસેના ભીમરાવનગરના પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧૬: આજીડેમ ચોકડી પાસે ભીમરાવનગર-૧માં રહેતાં મોહિત નીલેષભાઇ બથવાર (ઉ.વ.૧૩)નું વેરાવળ રેલ્વે સ્ટેશને ટ્રેનમાં ચડવા જતાં લપસી પડતાં ઇજાઓ થતાં મોત થયું છે. પાડોશી સાથે આ સગીર સોમનાથ ખાતે દર્શન કરવા ગયો હતો. પરત આવતી વખતે બનાવ બન્યો હતો.
જાણવા મળ્યા મુજબ ભીમરાવનગર-૧માં રહેતો મોહિત પરમાર શનિવારે ૧૪મીએ પોતાના પાડોશી સોમનાથ વેરાવળ ખાતે દર્શન કરવા જતાં હોઇ તેમની સાથે ગયો હતો. ત્યાં દર્શન કરી લીધા બાદ ફરીને બધા પરત રાજકોટ આવવા રવાના થયા ત્યારે વેરાવળ રેલ્વે સ્ટેશને ટ્રેનમાં ચડવા જતાં મોહિત લપસી પડયો હતો. આ વખતે જ ટ્રેન ઉપડી ગઇ હતી તેના કારણે તેને હાથ-પગમાં અને શરીરે ઇજાઓ થતાં વેરાવળ, જુનાગઢ સારવાર અપાવી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. પરંતુ આજે તેનું મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
મૃત્યુ પામનાર મોહિત બે ભાઇમાં મોટો હતો અને ધોરણ-૬માં અભ્યાસ કરતો હતો. તેના પિતા કારખાનામાં મજૂરી કરે છે. લાડકવાયના મૃત્યુથી બથવાર પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
(2:50 PM IST)










