<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

મારા ઘરે આવી જા નહિતર મારી નાંખીશ...રૈયાની યુવતિને રીબડા રહેતાં પુર્વ પતિની જવા ધમકી

વારંવાર સંદેશા મોકલતો હતો હવે ઘરે આવી ખૂનની અને ઉપાડી જવાની ધમકી દીધીઃ યુનિવર્સિટી પોલીસે જગદીશ મકવાણા વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૧૭: રૈયા ગામમાં રહેતી અને ગોંડલના રીબડાના યુવાન સાથે વર્ષ ૨૦૨૧માં પ્રેમલગ્ન કર્યા બાદ  એ વર્ષમાં જ છુટાછેડા થઇ જતાં ત્યારથી માવતરે રહેતી યુવતિને રીબડા રહેતો પુર્વ પતિ વારંવાર ફરીથી પત્નિ તરીકે અપનાવવાના સંદેશા મોકલતો હોઇ અને હવે ઘરે આવી જો તું મારી ઘરે નહિ આવે તો મારી નાંખીશ, ઉપાડી જઇશ તેવી ધમકી આપતાં તેણીએ પોલીસને જાણ કરી છે.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે રૈયા ગામમાં રહેતી રેખાબેન ઉર્ફે કાજલબેન બાબુભાઇ પરમાર (ઉ.વ.૨૭)ની ફરિયાદ પરથી રીબડા રહેતાં જગદીશ લક્ષમણભાઇ મકવાણા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. તેણીએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને ઘરકામ કરુ છું.  મેં અગાઉ પ્રેમલગ્ન કર્યા હતાં. બાદમાં છુટાછેડા થઇ ગયા હોઇ હું મારા માવતર સાથે રહુ છું. ગત ૧૦મી તારીખે રાતે નવેક વાગ્યે હું, મારા પિતા, માતા બધા ઘરે હતાં ત્યારે મારા પિતાના ફોન પર એક નંબર પરથી ફોન આવ્યો હતો અને ફોન કરનારે  મારે પ્લમ્બીંગ કામ કરાવવાનું છે, તમે રૈયા સ્મશાન પાસે આવો તેમ કહેતાં મારા પિતાએ ના પાડી હતી.

આ પછી થોડીવાર બાદ મારો પુર્વ પતિ રીબડા રહેતો જગદીશ લક્ષ્મણભાઇ મકવાણા મારા ઘરે આવ્યો હતો. તેની સાથે તેના મિત્ર શીવરાજભાઇ પણ હતાં. જગદીશે મને 'તું મારા ઘરે આવી જા અને નહિ આવ તો હું તને જાનથી મારી નાંખીશ' તેવી ધમકી આપી હતી. આ વખતે મારા મામા આવી જતાં તેણે જગદીશને સમજાવતાં તે અને શીવરાજભાઇ જતા રહ્યા હતાં. શીવરાજભાઇ સામે મારે કોઇ ફરિયાદ કરવી નથી. પરંતુ જગદીશ મને ફરીથી પત્નિ તરીકે અપનાવવા વારંવાર સંદેશા આપતો હોઇ અને હવે ઘરે આવીને ધમકી આપી હોઇ તેમજ અપહરણ કરી લઇ જવાની ધમકી પણ આપતો હોઇ ડર લાગતાં તેના વિરૂધ્ધ ફરિયાદ કરી છે. તેમ વધુમાં યુવતિએ જણાવતાં પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં પીએસઆઇ આઇ. એ. બેલીમે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(4:18 PM IST)